વાગડના કુખ્યાત બૂટલેગર પુના- રામા અંતે પૂર્વ કચ્છ પોલીસની હિરાશતમાં

એલસીબીએ રાજસ્થાનના બાડમેરમાંથી દારૂના ૧૬ ગુનામાં ફરાર ‘પુના’ને ઝડપ્યો : પ્રોહીબીશનના ૧૯ ગુનામાં નાસતો ફરતો ‘રામો’ અમદાવાદથી ઝડપાયો : અન્ય બે સાગરીત પણ ઝડપાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂની રેલમછેલ કરનારા વાગડના બે કુખ્યાત બૂટલેગરો અંતે પૂર્વ કચ્છ પોલીસની હિરાશતમાં આવી જતાં પૂર્વ કચ્છ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક સમયથી આ બંને બૂટલેગરો પૂર્વ કચ્છમાં કરોડો રૂપિયાના દારૂની ખેપ ઠાલવતા હતા. પોલીસ દારૂ અને ડ્રાઈવર પકડે અને મંગાવનારા તરીકે રામા અને પુનાનું નામ ખુલ્લે પરંતુ આ બંને બૂટલેગરો પોલીસના હાથમાં આવતા નહીં. જાે કે અંતે પોલીસવડા મયૂર પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એલસીબીએ બંને લિસ્ટેડ બૂટલેગરને ઝડપી લીધા છે. જેથી હાલ તુરંત પૂર્વ કચ્છમાં શરાબની ખેપ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
આ અંગેની વિગતો મુજબ પ્રોહીબીશનના વધુ ગુનામાં ફરાર આ બંધુઓને ઝડપી લેવા માટે રેન્જ આઈજી જે.આર. મોથલિયા અને એસ.પી. મયૂર પાટીલે આરોપીઓને પકડી લેવા સૂચના આપી હતી. જે અન્વયે અલગ અલગ ટીમો લોકલ ક્રાઈમ બ્રાન્ચની બનાવાઈ હતી. દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપી પુના ભાણા ભરવાડ બાડમેરમાં હોવાની હકિકત મળી હતી. જેથી અંજાર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલા ગુના કામે આરોપીને ઝડપી લેવાયો છે.
પુના સામે પ્રોહિબિશનના આડેસર પોલીસ સ્ટેશનમાં -પ, સામખિયાળીમાં-૧, ગાંધીધામ બી-૧, રાપરમાં-૩, અંજારમાં -ર, આદિપુરમાં – ૧, પોરબંદરના કુતિયાણા, મોરબીના ટંકારા અને અમદાવાદના વિરામગામ પોલીસ સ્ટેશનમાં ૧-૧ ગુનો નોંધાયેલો છે. પુનાની સાથે રાપરમાં રહેતો તેનો સાગરીત અરવિંદ મહાદેવા દેસાઈ પણ ઝડપાયો છે, જેની સામે આડેસર અને માનકૂવા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધાયેલા છે.
દરમિયાન લિસ્ટેડ બૂટલેગર રામા વજા ભરવાડ અમદાવાદ શહેરમાં હોવાની હકિકત મળતાં અમદાવાદ એલસીબીની મદદ મેળવી તેને પણ ઝડપી લેવાયો છે. રામા સામે દારૂના ૧૯ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તે નાસતો ફરતો હતો. આડેસર પોલીસ સ્ટેશનમાં -૭, ભચાઉમાં-ર, આદિપુરમાં-૧, સામખિયાળીમાં-૧, ગાંધીધામ બી ડિવિઝનમાં-૧, રાપરમાં-૩, અંજાર, હળવદ, મોરબી તાલુકા અને મુંદરામાં ૧-૧ કેસ નોંધાયેલો છે. રામાની સાથે તેનો સાગરીત મહેન્દ્ર ઉર્ફે મેંદિયો જીવણ કોલી પણ ઝડપાયો છે, જેની સામે અંજારમાં દારૂનો ગુનો રજિસ્ટર છે.
આ લિસ્ટેડ બૂટલેગરોને પકડવાની કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ બી. જે. જાેષી, એલસીબી સ્ટાફ તથા અમદાવાદ એલસીબીનો સ્ટાફ જાેડાયો હતો.

પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સમય સૂચકતા સરાહનીય

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસવડા પદે મયૂર પાટીલે જયારથી જવાબદારી સંભાળી છે. ત્યારથી ગોરખધંધાઓ પર બ્રેક લાગી ગઈ છે. અંજાર અને ગાંધીધામમાં ખંડણી સાથેના અપહરણનો ભેદ ઉકેલ્યો છે, વરસામેડી પાસે એટીએમમાં હત્યા સહિતના અનેકવિધ મર્ડરના બનાવો ઉકેલવા સાથે લાંબા સમયથી પૂર્વ કચ્છમાં દારૂની બદી વકરી છે, જેમાં લિસ્ટેડ બૂટલેગરોને પણ ઝડપી લીધા છે. સામખિયાળી અને આડેસર માર્ગે પૂર્વ કચ્છમાં દારૂના કન્ટેનર ઠલવાતા હતા, જે બૂટલેગરોને પણ કાયદાનું ભાન કરાવ્યું છે.