દયાપર : લખપત તાલુકાના વર્માનગરમાં જીઈબી કોલોનીના કવાર્ટરમાં રહેતા આધેડે આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગી પોતે, તેની પત્નિ અને પુત્ર કોરોના સંક્રમિત થતા હતાશામાં આવી જઈને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.નારાયણ સરોવર પોલીસ દફતરેથી મળતી વિગતો મુજબ જીઈબી કોલોની વર્માનગરમાં રહેતા હિતેશભાઈ રાજાભાઈ વાઢેર (ઉ.વ.૪૯)એ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આ ફાની દુનિયાને અલવીદા કરી હતી. હતભાગીના સાળા કમલેશભાઈ ખોડાભાઈ વાડીયાતરે બનાવ અંગે નારાયણ સરોવર પોલીસને જાણ કરી હતી. તેમણે પોલીસમાં આપેલી કેફિયત મુજબ તેમના બનેવી અને બહેન તેમજ ભાણેજ કોરોના સંક્રમીત થતા પરિણામે માનસિક હતાશામાં આવી જઈને હતભાગીએ આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. બનાવને પગલે નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હતભાગીના મૃતદેહને પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે