વડોદરામાં નોકરી મેળવવાની લાલચમાં યુવાને ૧ લાખ રૂપિયા ગુમાવ્યા

 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરમાં બી.ટેક ઓટો મોબાઇલનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ ઓટો મોબાઇલ સેક્ટરમાં નોકરીની શોધમાં ફરી રહેલા વિદ્યાર્થીને નોકરી આપવાના બહાને ભેજાબાજ ટોળકીએ અલગ-અલગ બહાના બતાવી ઓનલાઇન ૧ લાખ રૂપિયા પડાવ્યા હતા અને નોકરી નહીં આપીને છેતરપિંડી આચરી હતી. વિદ્યાર્થીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.વડોદરા શહેરના કલાલી રોડ ઉપર આવેલા આસોપાલવ કલબ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ પરીખે ૨૦૨૧માં બી.ટેક.ઓટો મોબાઈલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જૂન મહિના દરમિયાન નોકરી મેળવવા પોતાનો બાયોડેટા અલગ-અલગ વેબસાઈટ ઉપર મૂક્યો હતો. દરમિયાન આરતી શર્મા સાઇન ડોટ કોમની ઓળખ આપી અજાણી મહિલાએ ફોન થકી જણાવ્યું હતું કે, તમારો બાયોડેટા અમને મળી ગયો છે અને તમારા માટે બજાજ, ટાટા મોટર્સ તથા મહિન્દ્રા ખાતે સેલ્સમેન, પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં વેકેન્સી છે.ત્યારબાદ રજીસ્ટ્રેશન પેટે ૨ હજાર, ફાઇલ માટે ૭,૭૫૦ અને કંપનીના ઇન્ટરવ્યૂ સંદર્ભે ૧૬,૭૫૦, જીએસટી પેટે ૧૫, ૫૦૦ પડાવી લીધા હતા. આમ જુદા જુદા બહાના બતાવી રૂપિયા ૧ લાખ ઓનલાઈન પડાવી છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત મોબાઇલ નંબરના આધારે ૫ અજાણ્યા શખસો વિરૂદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છેઆ પહેલા વડોદરા શહેરમાં ચિંતન ઉર્ફ ચેતન નામના શખસે નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનો સાથે છેતરપિંડી કરી હતી અને નાણાં પડાવ્યા હતા. લોકોને વિઝા અપાવાના નામે અને નોકરી અપાવાના નામે છેતરપિંડી કરનાર ટોળકી પૈકી સૂત્રધાર ચિંતન ઉર્ફ ચેતન રાજકીય પાર્ટીઓમાં પોતે ઉચ્ચ હોદ્દા ઉપર હોવાના કાર્ડ છપાવી લોકોને બતાવતો હતો અને વિઝા તેમજ નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. બોગસ દસ્તાવેજો તે પોતાના સાગરીતો સાથે બનાવડાવતો હતો.આરોપી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં અને જિલ્લાના વાઘોડિયા અને ડભોઇ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઇ હતી. ઠગ ચિંતન ઉર્ફ ચેતને વાઘોડિયાના લોકોને પણ સસ્તુ મકાન અપાવવા અને વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી હતી.