વડોદરામાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

(જી.એન.એસ.)વડોદરા,કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વડોદરામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરની એસ.એસ.જી હૉસ્પિટલમાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકો માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરની ખાનગી હૉસ્પિટલમાં પણ બાળકોના કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.એસ.જી હૉસ્પિટલમાં બોળકો માટે અલગ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ચિંતા એટલે પણ વધી છે કે, કોરોના દરમિયાન મોટામાં જે દવાઓનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ નાના બાળકો માટે ન કરી શકે. મળતી માહિતી પ્રમાણે, એસએસજી પિડિયાટ્રીક વિભાગમાં આઠ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી પાંચ બાળકોને હોમ ક્વૉરન્ટીન કવામાં આવ્યાં છે અને ત્રણ બાળકોની હૉસ્પિટલમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે સારવાર ચાલી રહી છે.એચઓડી, ડૉ. શિલા ઐયરના જણાવ્યા પ્રમાણે, આ વખતના કોરોના સ્ટ્રેનમાં સંક્રમણમાં બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પોઝિટિવ આવી રહ્યાં છે. તેમના માટે ખાસ આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.