વડોદરાની મેટ્રો હોસ્પિટલમાંથી ૮ લાખ રૂપિયાની કિંમતના વેન્ટિલેટરની ચોરી

(જી.એન.એસ.)વડોદરા,કોવિડ-૧૯ મહામારીના સમયમાં જ્યારે વેન્ટિલેટર સૌથી વધારે માગ ધરાવતા ઉપકરણોમાંથી એક છે, ત્યારે ચોરોએ હરણી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી લાઈફ સપોર્ટ સિસ્ટમના યુનિટના બે યુનિટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ, આ હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.મેટ્રો હોસ્પિટલના વહીવટીતંત્રને સોમવારે બે વેન્ટિલેટરની ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે એક મહિનાથી વધુ સમય બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો બાયો-મેડિકલ રૂમ ખોલ્યો હતો. ૫મી જાન્યુઆરીથી હોસ્પિટલમાં રિનોવેશનનું કામ થઈ રહ્યું છે, જેના કારણે તમામ ઉપકરણો બાયો-મેડિકલ રૂમમાં રાખવામાં આવ્યા છે.હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટર કમલેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લે ૮મી ફેબ્રુઆરીના રોજ બાયો-મેડિકલ રૂમમાં વેન્ટિલેટર જોવા મળ્યા હતા. સોમવારે જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ૭.૫ લાખ રૂપિયાની કિંમતના બે વેન્ટિલેટર ગાયબ હતા. પોલીસે કહ્યું હતું કે, વેન્ટિલેટર ૨૦૦૮માં દિલ્હીથી ખરીદવામાં આવ્યા હતા.’ચોરીમાં અંદરથી જ કોઈ વ્યક્તિનો હાથ હોવાની અમને આશંકા છે. પરંતુ, અમે હજી તપાસ કરી રહ્યા છીએ’, તેમ હરણી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર આર.એસ. બારિયાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રિનોવેશનનું કામ શરુ થયું ત્યારથી કામ કરી રહેલા મજૂરો, હોસ્પિટલના વહીવટદારો તેમજ મેન્ટેનન્સ સ્ટાફ સિવાય કોઈએ પરિસરની મુલાકાત લીધી નથી.