લોડાઈ વિભાગ આહિર સમાજની બેઠક યોજાઈ

લગ્ન સમારંભ બાબતે ચર્ચા વિચારણા કરી વિવિધ ઠરાવો મંજૂર કરાયા

ભુજ : માધાપર ખાતે આવેલી આહિર બોર્ડિંગ ખાતે લોડાઈ વિભાગ આહિર સમાજની વૈશાખ માસમાં લગ્ન સમારંભ બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં ચાર્ચા-વિચારણા કરી વિવિધ ઠરાવો સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યા હતા.

સમાજના મંત્રી સામજીભાઈ આહિરની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લગ્ન સમારંભના જમણવાર પર સંદત્તર પ્રતિબંધ રાખવાનો, લગ્ન સમારંભ અંગે કંકોત્રી છપાવવી કે વિતરણ કરવી નહીં, જાન-માંડવામાં વધુમાં વધુ ૧પ વ્યક્તિઓએ જ ઉપસ્થિત રહેવું, માસ્ક ફરજિયાત પહેરવું, સમારંભમાં આયોજકોએ કોઈપણ પ્રકારે દાંડિયારાસ, ઢોલ, ફટાકડા ફોડવા વગેરેનું આયોજન ન કરવું, સમાજના અન્ય પ્રસંગોમાં (આણું ઝુરો) વધુમાં વધુ બે વ્યક્તિઓને જ જવું અને મામેરામાં ૧૦ જણાએ જવું, ગણેશ સ્થાપના અગ્યિરાસ પહેલા ન કરવી, સમારંભ માટે મેળવવાની થતી મંજૂરીઓ જે-તે પ્રસંગના ઘરધણીએ જાતે મેળવવાની રહેશે. જાનૈયાઓ માટે લગ્નવિધિ બાદ સાદુ-સાત્વિક ભોજન આપી તરત જ જાનને વિદાય આપવાની રહેશે તેવા ઠરાવો પસાર કરાયા હતા. ઉપરોક્ત નિયમોનું સરકારની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ દરેક ગામની સમાજ સમિતિ તથા આગેવાનોને પણ પાલન કરવા અનુરોધ કરાયો છે. આ બેઠકમાં ધનજીભાઈ ચાડ, હરીભાઈ ગાગલ, ધનજીભાઈ કેરાસિયા, રાણાભાઈ ડાંગર, ધનજીભાઈ શિવજી, દત્તુભાઈ તેમજ અન્ય આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.