લોકોનું સ્મિત કે આભાર અમને નવી ઉર્જા આપે છે –ડો.કાજલ મોતા

“તમારું કામ જોખમ ભર્યુ એમ જયારે કોઇ કહે ત્યારે મનમાં સહેજ હકાર થઇ જાય પણ અમે પુરતી સાવચેતી સાથે અમારી ફરજ જવાબદારીપૂર્વક નિભાવીએ છીએ.

સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, માંડવી ખાતે મેડિકલ ઓફિસર તરીકે કોવીડ-૧૯ના વેકસીનેશનમાં ઓબ્ઝર્વેશન પર ફરજ બજાવતા ડો.કાજલ મોતા આ વાત જણાવે છે.

તાજેતરમાં અહીં ફરજ બજાવતાં તેઓએ પહેલાં ધનવંતરી રથ અને હોમ આઇસોલેશન માટે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે.

કોવીશીલ્ડ વેકિસન આપ્યા બાદ લોકોને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રખાય છે તેમાં દર્દીને તેની તબિયત અને જો કોઇ આડઅસર અનુભવે કે થાય તો શું કરવું તે અંગે સમજણ ડો.મોતા રસી લેનારને આપે છે.

લોકોના કોવીડ-૧૯ પ્રત્યેના પ્રતિભાવો અંગે તે જણાવે છે કે, કોરોનાના દર્દીઓનો ૯૦ ટકા હકારાત્મક પ્રતિભાવ જોવા મળે છે તો ૧૦ ટકા કડવા પણ અનુભવ થાય છે ત્યારે અમારી તબીબી તરીકે ફરજ અને જવાબદારીથી અમે તેમની કોરોનાની લડાઇમાં સજ્જ રહીએ છીએ.

હોમ આઇસોલેશન વીઝીટની જવાબદારી હોય કે ધનવંતરી આરોગ્ય રથની કામગીરી હોય જે કોવીડ-૧૯ની ગંભીરતાને સમજે છે તેઓ તો થેંકસ, બેસ્ટ વિશીઝ અને કયારેક નાનકડું ફુલ કે પેન જેવા થેંકસગીવીંગ ભેટ આપે છે. સ્વસ્થ થતાં કે સારવાર લઇ રહેલાં લોકોનું સ્મિત કે આભાર અમને નવી ઉર્જા આપે છે. એમ ડો.કાજલ ચમકભરી આંખે જણાવે છે.

તો સહેજ ગંભીર થઇને એમ પણ કહે છે કયારેક આઇસોલેશનથી કંટાળેલા દર્દીને સંભાળવા કઠીન પડે છે. પણ ધ એપિડેમીક એકટનો કાયદો સમજાવી તેમને યોગ્ય સારવાર અને રહેણીકરણી માટે મનાવી લેવાય છે ત્યારે અંદર ખાને ખરાબ લાગી જાય પણ ચાલે……………… બાકી દર્દીનું સ્મિત અમને કરોડો રૂપિયા જેટલી ખુશી આપે છે.