લોકોની જાગૃતતાના અભાવે અને રસીની અછત વચ્ચે ઓછું વેક્સિનેશન

  • કચ્છના વયસ્કોએ પ્રથમ ડોઝની તુલનાએ બીજા ડોઝમાં દાખવી ઢીલાશ

૬૦ વર્ષથી ઉપરના ૮૦ ટકા જેટલા લોકોએ લીધો પ્રથમ ડોઝ, જ્યારે બીજો ડોઝ લેનાર ફક્ત ૪૬ ટકા : ૪પ થી પ૯ વર્ષના ૪૮ ટકાએ લીધો પ્રથમ ડોઝ : ૧૮ વર્ષથી ૪૪ ની વયજુથના ૧.૦૯ ટકાને રસીકરણ

(બ્યુરો દ્વારા)ભુજ : સરહદી કચ્છમાં કોરોનાને મ્હાત આપવા માટે સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે, પરંતુ રસીના મર્યાદીત સ્ટોકને કારણે પુરતા પ્રમાણમાં રસીકરણની કામગીરી થઈ શકતી નથી. ત્રણ વયજુથની કેટેગરીમાં સરકાર દ્વારા રસીકરણની કામગીરી ચાલી રહી છે, જેમાં કચ્છમાં રસી લેનાર લોકોની પણ જાગૃતતાના અભાવે ધારી સફળતા મળી નથી. બીજું એક કારણ એ પણ છે કે, રસીનો પુરતો સ્ટોક સરકાર દ્વારા ન અપાતા ધાર્યું કામ થઈ શકયું નથી.જિલ્લામાં અત્યાર સુધીમાં કરાયેલા રસીકરણમાં ૬૦ વર્ષથી ઉપરના ૭૯.૪૯ ટકા લોકોએ પ્રથમ લીધો છે. જ્યારે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા ૪૬.૩ર ટકા છે, ત્યારે બન્ને ડોઝ વચ્ચેની ટકાવારીમાં જે ફરક છે તેને ભાંગવો જરૂરી છે. માટે ૬૦ વર્ષથી ઉપરના લોકો બીજો ડોઝ લેવા માટે આગળ આવે તેવી અપીલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે કરી હતી. તેમણે વિગતો આપતા કહ્યું હતું કે, ૪પ થી પ૯ ની વયજુથના લોકો પૈકી ૪૮.૪૬ ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ ૩૧.ર૬ ટકાએ લીધો છે. ૧૮ થી ૪૪ નું રસીકરણ હજુ હાલ જ શરૂ થયું છે, ત્યારે તેમાં ૧.૦૯ ટકા લોકોનું રસીકરણ થયું છે.ડો. પ્રેમકુમાર કન્નરે વધુમાં જણાવ્યું હતું કે, બીજી લહેરમાં જે મૃત્યુઆંક વધ્યો તેમાં ૬૦ પ્લસ અને ૪પ થી પ૯ વચ્ચેના વધુ મૃતકો જોવા મળ્યા છે. જેમાંથી અનેક લોકોનું રસીકરણ થયું ન હતું. કેટલાકે માત્ર એક ડોઝ લીધા બાદ તેઓ સંક્રમીત થયા હતા. ત્યારે પ્રથમ ડોઝ લઈને સંક્રમીત થનાર ઘણા લોકો મોતથી બચી શકયા છે. માટે ૪પથી ઉપરની ઉમરના તમામ લોકો વધુને વધુ રસીકરણ કરાવે. જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને બીજો ડોઝ લેેવાનો સમય થઈ ગયો હોય તો તાત્કાલિક બીજો ડોઝ લે અને જેઓએ હજુ સુધી પ્રથમ ડોઝ નથી લીધો તેઓ તાત્કાલિક રસી મુકાવે તેવી અપીલ તેમણે કરી હતી.