(એજન્સી દ્વારા) નવી દિલ્હીઃ પાંચમા તબક્કામાં ઉત્તર અને પૂર્વના છ રાજ્ય તેમ જ મધ્ય પ્રદેશના બુંદેલખંડમાં લોકસભાની ૫૧ બેઠક માટેના પ્રચારના પડઘમ શનિવારે શમી ગયા હતા. લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી કેન્દ્રના પ્રધાન રાજનાથસિંહ, રાજ્યવર્ધન રાઠોડ, સ્મૃતિ ઈરાની, જયંતસિંહા, અર્જુન મેઘવાલ તેમ જ કૉંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું ભાવિ નક્કી કરશે.  ઉત્તર પ્રદેશની ૧૪, રાજસ્થાનની ૧૨, પ. બંગાળ અને મધ્ય પ્રદેશ પ્રત્યેકની સાત, બિહારની પાંચ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની બે બેઠક માટે સોમવારે મતદાન થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રચારઝુંબેશની બાગડોર સંભાળી હતી અને સાત રૅલી કરી હતી. પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરનારાઓમાં ભાજપના પ્રમુખ અમીત શાહ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને કેન્દ્રના અનેક પ્રધાનોનો સમાવેશ થાય છે.  પ. બંગાળમાં બાન્ગાંવ બેઠકના ભાજપના ઉમેદવાર શાન્તનુ ઠાકુરને રોડ અકસ્માતમાં ઈજા થઈ હતી. પ્રચારના છેલ્લા દિવસે પોલીસ વૅને અંકુશ ગુમાવતા તે ચૂંટણી રૅલીમાં ભાગ લેવા કલ્યાણી જઈ રહેલા ઠાકુરના વાહન સાથે અથડાઈ હતી, એમ પોલીસે કહ્યું હતું. અકસ્માતમાં વાહનમાં સવાર ઠાકુર, તેમના ડ્રાઈવર અને અન્ય બે જણને ઈજા થઈ હતી. બિહારમાં મોદીએ ભાજપના ઉમેદવાર ઉપરાંત સાથીપક્ષ જેડી (યુ) અને એલજેપીના ઉમેદવાર માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો. ભાજપના સાંસદ અજય નિશાદ અને રાજીવ પ્રતાપ રૂડીએ અનુક્રમે તેમના મુઝફ્‌ફરનગર અને સરન મતદારસંઘમાં ફેરચૂંટણીની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં પણ લોકસભાની સાત બેઠક માટેનો ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. ઝારખંડમાં સ્પર્ધામાં ઉતરેલા ઉમેદવારોમાં કેન્દ્રના પ્રધાન જયંતસિંહાનો પણ સમાવેશ થાય છે.  જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં તેમ જ લદાખ જિલ્લામાં સોમવારે મતદાન યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here