લગ્નના સાતમા દિવસે સાસરીયાની પાંચ કરોડની માંગણી, યુવતીએ કરી ફરિયાદ

(જી.એન.એસ)ભાવનગર,ભાવનગરમાં લગ્ન જીવનના નવ મહિનામાં જ પરિણીતાને પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા બાબતે પતિ અને સાસરિયા દ્વારા અવાર નવાર શારીરીક-માનસિક ત્રાસ આપતાં મહિલાએ કંટાળીને પતિ અને સાસુ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની વ્યથા સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ હતી.ભાવનગર શહેરના કાળુભા રોડ રિના સ્ટેન્ટની બાજુમાં આવેલા આરતી પેલેસ પાસે રહેતી મહિલાના લગ્ન જૂન ૨૦૨૦માં શહેરના વિરામ નામના યુવક સાથે થયા હતા. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન થયાના સાત દિવસ સુધી મારા પતિએ મને સારી રીતે રાખી હતી. જ્યારે જુલાઇ ૨૦૨૦માં મને મારા પતિએ કહ્યું કે, તું મને ગમતી નથી, જ્યારે મારા સાસુ મને કહેતાં કે, અમે તારાથી કંટાળી ગયા છીએ.જ્યારે ઘરકામ બાબતે મારા સાસુ અવાર નવાર મને મહેણા-ટોણા મારી મને કહેતા કે, તને ઘર કરતાં નથી આવડતું, તારા પિતાએ તને કંઇ આપ્યુ નથી. આ ઉપરાંત મારા સાસુ મારા પતિની ચડામણી કરી મારી સાથે મારકુટ કરાવતાં હતા. આઠ દસ વાર મને ઢોરમાર મારતાં હુ મારા પિતાને ત્યાં ગઇ હતી. જ્યારે મારા પિતાના કહેવાથી હુ સાસરીએ પાછી આવતી હતી.
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે સાસરીમાં હુ જમવા બેસતી ત્યારે મારી થાળી ખેચી લેતાં, મને જમવાનું ના આપતાં અને જમવાની ગણતરી કરતાં. મારા પતિએ મને મારા પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા માટે કહ્યુ અને કહ્યુ કે, તુ તારા બાપના ઘરેથી પાંચ કરોડ લઇ આવે તો તને રાખુ બાકી તારી જિંદગી નરક બનાવી દઇશ. આવું ઘરમાં રોજ ચાલતુ. જ્યારે પાંચ એપ્રિલ ૨૦૨૧ના રોજ રાત્રે મને ઢોરમાર મારતાં મે કંટાળીને ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસની ગાડી બોલાવી હતી.મહિલાની સંપૂર્ણ વ્યાથા સાંભળી પોલીસ મહિલાને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. જ્યારે આ અંગે ગઇકાલે મહિલાએ પોતાના પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ન્યાય મળે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.