લખપતના જુણાચાય તથા મેઘપરમાં થયેલ દબાણ દૂર કરવા કલેક્ટરને રજૂઆત

પવનચક્કીની કંપનીના જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે કાર્યવાહી થાય તેવી માંગ

ભુજ : લખપત તાલુકાના જુણાચાય તથા મેઘપર ગામે ગૌચર જમીન પર સરકારની મંજૂરી વિના વિજપોલ ઊભા કરી વીજ લાઈન પસાર કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવા છતા કોઈ કાર્યવાહી ન થતા સરકારના લેન્ડગ્રેબીંગ કાયદા તળે જવાબદારો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ લખપત તાલુકાના જુણાચાયના સર્વે ન. ૧૩૬ વાળી જમીનમાં અદાણી ગ્રીન એર્ન્જી લી. દ્વારા ગેરકાયદે પેસકદમી કરી પવનચક્કી ઉભી કરવામાં આવી છે. આ બાબતે લખપત મામલતદાર દ્વારા પવન ચક્કી દુર કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં લખપત તાલુકાના જુણાચાયમાં ગૌચરના સર્વે નં.ર૦૮, ૩પ૧, ૩પ૩ અને ૩પ૪ તથા મેઘપર (તા.લખપત)ના ગૌચર સર્વે નંબર પપ, ૧૧૧, ૧૧ર અને ૧૧૩ વાળી જમીન પર અદાણી ગ્રીનએનર્જી (એમ.પી.) પ્રા.લી. અલ્ફાનાર એનર્જી પ્રા.લી. અને આઈનોક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીઝ લી. દ્વારા સરકારની મંજૂરી વગર વીજપોલ ઊભા કરીને વીજ લાઈન પસાર કરવામાં આવી છે.આ બાબતે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા આ બધી કંપનીને દબાણ દૂર કરવાની નોટિસ પણ ઈસ્યૂ કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ર૦ર૦ મુજબ અદાણી ગ્રીન એનર્જી (એમ.પી) લી.ના ચેરમેન, ડાયરેક્ટરો, ચીફ એક્ઝિક્યુટીવ, અલ્ફાનાર અનર્જી પ્રા.લી. તથા આઈનોક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર સામે કાર્યવાહી કરવા અને ગૌચર જમીન પર થયેલ દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટરને કચ્છ જિલ્લા કિશાન કોંગ્રેસના પ્રવકતા યોગેશ પોકાર, ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના જોઈન્ટ કોર્ડી. એચ.એસ. આહિર, કચ્છ જિલ્લા કિશાન કોંગ્રેસના કોર્ડીનેટર રમેશ એ. બલિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

મામલતદારનો હુકમને નખત્રાણા પ્રાંત રાખ્યો માન્ય

ભુજ : લખપત તાલુકાના જુણાચાય લખપતના હુકમ તા. ર૦-૯-ર૦ર૦ વખતે કાયમ રાખવા માટે નખત્રાણા નાયબ કલેકટર ડો. મેહુલકુમાર અરાસરા દ્વારા તા. ૬-૩-ર૧ના હુકમ જાહેર કર્યો હતો. જેમાં એપેલેન્ટની અપીલ અરજી નામંજુર કરવામાં આવી હતી.

લખપત મામલતદારે પવન ચક્કી કંપની વિરૂદ્ધ આપ્યો ધાક બેસાડતો હુકમ

ભુજ : લખપત તાલુકાના જુણાચાયની સર્વે નંબર ૧૩૬ પૈકીની જમીન પર પવનચક્કીઓનો ઔદ્યોગીક હેતુનો અનઅધિકૃત કબ્જો કરતા જોગવાઈ મુજબ એક ટકા કરતા વધુ નહીં તેટલા સુધીનો દંડ લેવાની જોગવાઈ છે. જમીનના જંત્રીના ભાવ દર ચો.મી.ના રૂપિયા ૩૧ છે, તેની અઢી ગણી કિંમત ગણતા રૂા. ૭૮ થાય. દબાણવાળી જમીન હે. ૧.૦૦.૦૦ હોઈ જમીનની બજાર ભાવ કિ.રૂા. ૭,૮૦,૦૦૦ થાય તેની જંત્રી એક ટકા લેખે રૂા. ૭,૮૦૦ રૂપિયા થાય બે વર્ષ દબાણ કરેલ હોઈ દંડની રકમ રૂા. ૧પ,૬૦૦ વસુલ કરવા તથા જમીન પર દબાણ દસ દિવસમાં દૂર કરવા લખપતના મામલતદાર દ્વારા તા. ૩૧-૮-ર૦ર૦ના હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેલખનીય છે કે, મામલતદારના હુકમ બાદ કંપની પ્રાંતમાં અપીલ કરી હતી અને કંપનીઓ કરેલી અપીલ નામંજુર કરી મામલતદારનો હુકમ પ્રાંત અધિકારી દ્વારા માન્ય રખાયો હતો. આ હુકમ હજુ અમલી નથી થયો તેવું અરજદારે કલેકટરને રજુઆત કરી હતી.