ર૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત સામે માત્ર ૮૧૪૭ કરોડ ફાળવાયા હોવાનો એકરાર

ગત વર્ષે લોકડાઉનના કારણે પડી ભાંગેલા અર્થ તંત્રને બેઠું કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦ લાખ કરોડના આર્થિક પેકેજની મોટા ઉપાડે કરી હતી જાહેરાત ઃ કચ્છના કિસાન આગેવાને પીએમ ઓફિસેથી વિગતો માંગતા ૩૧ માર્ચ સુધીમાં ૮૧૪૭ કરોડ જ ફાળવાયા હોવાની વિગતો અપાઈ ઃ તાઉતેની આફતમાં ૧ હજાર કરોડની જાહેરાત પણ લોલીપોપ સમાન

ભુજ : ગત વર્ષે ભારતમાં કોરોના મહામારીના કારણે દેશ વ્યાપી લોકડાઉન લગાવાયું હતું. જેના કારણે અર્થ તંત્ર પડી ભાંગ્યું હતું. લોકો બેકારી તરફ ધકેલાઈ ગયા, ઉદ્યોગ, ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા. પરિણામે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડી ભાંગેલા અર્થ તંત્રને બેઠુ કરવા મોટા ઉપાડે ર૦ લાખ કરોડના રાહત પેકેટની જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાત સામે માત્ર નજીવી રકમ ફાળવાઈ હોવાનો એકરાર ખુદ વડાપ્રધાન કાર્યાલયે કર્યો છે.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જાેઈન્ટ કો-ઓર્ડિનેટર અને કચ્છના નેતા એચ.એસ.આહિરે માહિતી આપતા કહ્યું કે, ગત વર્ષે વડાપ્રધાને દેશની જનતાને ર૦ લાખ કરોડનું રાહત પેકેજ આપું છું તેવી જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાત માત્ર પ્રસિદ્ધિ પુરતી જ રહી છે. આવડી મોટી રકમનું બજેટ પણ હોતું નથી. ત્યારે બજેટમાં ક્યાંય રાહત પેકેજની રકમની ફાળવણી કરાઈ નથી. આવકના સ્ત્રોતની માહિતી અપાઈ નથી. માત્રને માત્ર પ્રસિદ્ધિ માટે જાહેરાત થઈ હતી. જેથી પોતે વડાપ્રધાન કાર્યાલયમાં પત્ર લખી વિગતો માંગી હતી. જેમાં વર્ષ ર૦ર૦-ર૧માં ૩૧ માર્ચ સુધીમાં પીએમ ઓફિસે ૮૧૪૭ કરોડ રૂપિયા જ આપ્યા હોવાનો એકરાર કરાયું હોવાનું જણાવ્યું હતું. ખુદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હોવાનું જણાવ્યું હતું. રાહત પેકેજની મોટી જાહેરાત સામે નાનકડી રકમ ફાળવાઈ છે ત્યારે હાલમાં તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં નુકશાની થઈ છે. જેમાં વડાપ્રધાને ૧ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મોસાળમાં જમણવાર હોય અને મા પિરસનાર હોય તો વધુ જ પીરસે પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી કેન્દ્રમાં હોવા છતાં નુકશાનીની સામે પાંચથી ૮ હજાર કરોડના પેકેજની જાહેરાતને બદલે માત્ર ૧ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં પણ દાવા સાથે કહ્યું કે, માત્ર ર૦૦-પ૦૦ કરોડ આપી ફોટો સેશન કરવામાં આવશે. પણ જરૂરતમંદ લોકોને લાભ મળશે નહીં. વડાપ્રધાને પોતાના પદની ગરીમા જાળવી પોતે કરેલી જાહેરાતોની અમલવારી કરવી જાેઈએ.