ર૦રરના મધ્યાંતર પૂર્વે ભુજ પાણી સમસ્યાથી બનશે મુક્ત

ગત બોડીએ ભુજ શહેરમાં પાણી સંગ્રહ માટે આરંભેલા કામો પુરા કરવા હવે નગરપાલિકાની નવી બોડી પ્રારંભથી જ એક્શનમાં : શહેરમાં પાણીની સંગ્રહશક્તિ વધારવાના કામોને ઝડપભેર વધારાશે આગળ : હિલગાર્ડન પાસે નિર્માણ પામનારા પ૦ લાખ લીટરની ક્ષમતાના ટાંકા માટે જમીનને મળી મંજૂરી

ચંગલેશ્વર પાસેના ટાંકાની જમીન મંજૂરીની પ્રક્રિયા પણ અંતિમ તબક્કે

ભુજ : જિલ્લા મથક ભુજ અને પાણી સમસ્યા એક બીજાના પર્યાય સમાન છે. શહેરની વસ્તી અને વિસ્તારમાં જેમ-જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ પાણીની તંગી પણ વિકરાળ બની રહી છે. દર વર્ષે ઉનાળા દરમ્યાન તો મોટા ભાગનો વિસ્તાર ટેન્કરો પર જ નિર્ભર રહે છે. હાલે ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ પાણીની બૂમરાડ શરૂ થઈ ગઈ છે. પાલિકામાં ટેન્કરોની વર્ધીમાં પણ ઉછાળો આવ્યો છે. જોકે, કચ્છના પાટનગરને પાણી સમસ્યામાંથી મુક્તિ અપાવવા નગરપાલિકાની કમાન સંભાળનાર નવી બોડી પ્રારંભથી જ એક્શન મોડમાં આવી હોઈ ર૦રરના મધ્યાંતર પૂર્વે શહેર પાણી સમસ્યાથી મુક્ત બનશે તેવી દિશામાં કામગીરી હાથ ધરાઈ છે.ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગત વ્યાસે વિગતો આપતના જણાવ્યું કે, શહેરની દૈનિક પાણીની જરૂરિયાત ૪ર એમએલડીની છે, જેની સામે પાણી પુરવઠા તરફથી છેલ્લા એકાદ સપ્તાહથી ૩૮ એમએલડી પાણી અપાઈ રહ્યું છે. સ્થાનિક સોર્સમાંથી પણ થોડું પાણી મળી રહે છે. પાણી ઉપલબ્ધ છે, પરંતુ સ્ટોરેજની સમસ્યા હોવાથી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી રહી છે. શહેરમાં પાણીની સંગ્રહક્ષમતામાં વધારો થાય તે માટે નવા ટાંકાઓ બનાવવાના છે. હિલગાર્ડન પાસે નિર્માણ પામનારા પ૦ લાખ લીટરની ક્ષમતાના ટાંકા માટે જમીન મંજૂર થઈ ગઈ છે. જમીનના રૂપિયા પણ એકાદ-બે દિવસમાં ભરી દેવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, ચંગલેશ્વર પાસે પણ ટાંકો બનવાનો છે, જે માટે જમીન સત્વરે મંજૂર થાય તે હેતુથી જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે પણ કચ્છ કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ જમીન મંજૂરીની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. આવતા ઉનાળે શહેરીજનોને પીવાના પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી જશે તેવો મક્કમ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ગત બોડીએ ભુજ શહેરમાં રીંગરોડ ઉપર આરંભેલા પાણીની લાઈન અને સ્ટોરેજ ટાંકાનું કામ પણ પુરગતિએ ચાલુ છે. આ કામો પણ વહેલી તકે પૂરા થશે ત્યારે શહેરની પાણીની સ્ટોરેજ ક્ષમતા વધશે. નવી બોડીએ જૂની બોડીના પાણી સંદર્ભના જે કામો ચાલુ હતા તેને ગતિ આપી છે.