રેલ્વેમાં રાત્રે મુસાફરી દરમ્યાન મોબાઇલ કે લેપટોપ ચાર્જ કરી શકાશે નહિ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,મોટાભાગના રેલયાત્રી ટ્રેનમાં સવાર થતા જ પોતાના મોબાઈલ કે લેપટોપને ચાર્જિંગમાં મુકી દેશે. જો તમને પણ ઘરથી નિકળતા મોબાઈલ- લેપટોપ ફૂલ ચાર્જ કરવાની જગ્યાએ ટ્રેનમાં ચાર્જિંગ કરવાની આદત છે તો હવે તેને બદલી નાખો. હકિકતમાં ભારતીય રેલવેએ પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર કરી દીધો છે. જેના કારણે જેથી યાત્રી હવે રાત્રે મુસાફરી દરમિયાન પોતાનો મોબાઈલ કે લેપટોપ ટ્રેનમાં ચાર્જ કરી શકશે નહીં. રેલવેનું કહેવુ છે કે, આ નિર્ણય ટ્રેનમા આગ અને ચોરીની ઘટના અટકાવવા માટે લેવામાં આવ્યો છે.રેલવેના જણાવ્યા પ્રમાણે હવે ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિંગ માટે ટાઈમ ટેબલ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેથી હવે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યાની વચ્ચે ચાર્જિંગ પોઈન્ટમાં વીજળી બંધ રહેશે. તેનાથી રાત્રે યાત્રા દરમિયાન મોબાઈલ ચોરી, મોબાઈલ બ્લાસ્ટ અને આગ લાગવા જેવી ઘટના નહી બને.આ નિયમને કેટલીક ટ્રેનમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ૧૩ માર્ચ ૨૦૨૧ના રોજ દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ આગ એક કોચથી શરૂ થઈ અને જોત જોતામાં ૭ કોચ સુધી ફેલાઈ ગઈ હતી. જો કે આ આગમાં કોઈ યાત્રીને નુકશાન પહોંચ્યુ નહોતું. આ ઘટનાને રેલવેને ચોકાવી દીધી હતી. ત્યાર બાદ રેલવે દ્વારા કડકાઈ બતાવવામાં આવી છે.ભારતીય રેલ્વેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ૧ એપ્રિલ ૨૦૨૧થી કેટલાક રૂટ પર નવી ટ્રેન ચલાવવાની યોજના બનાવી છે. દેશમાં ફરી વધતા કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રેલવે સોશિયલ ડિસ્ટન્સિંગનું પુરૂ ધ્યાન રાખી રહી છે. રેલવેએ ટ્રેનમાં ભીડ રોકવા માટે અને લોકોને સરળતાથી સીટ ઉપલબ્ધ કરાવવા માટે કેટલીક નવી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.