રેમડેસીવીરનો કકળાટ : તંત્રથી હતાશ બનેલા લોકો રોડ પર ઉતર્યા

એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ- રાજકારણીઓ હવે તો શરમ કરો

છેલ્લા સપ્તાહથી ઈન્જેકશન મેળવવા સિવિલ સર્જનની કચેરીએ દરરોજ લાગતી કતારો : સવારે લાઈનમાં ઉભા રહ્યો ત્યારે સાંજે ઈન્જેકશન મળે એ પણ અધુરા : મુખ્યમંત્રીની મુલાકાત બાદ પણ પરિસ્થિતિ ન સુધરતા તંત્રના નકારાત્મક વલણથી ત્રસ્ત બનેલા લોકોએ જી.કે. જનરલ હોસ્પિટલ સામે ચક્કાજામ કર્યો : એક વાઈલ માટે રૂપિયા ૬૬૮ લેવાનો આજથી કરાયો આગ્રહ

રાજકારણીઓના ઘર પર જઈને વિરોધ-દેખાવ-પ્રદર્શનો કરો તો જ રાજકારણીઓની શાન આવશે ઠેકાણે, અને ઉદ્દઘાટનોમાંથી સમય કાઢીને કઈક ભોગ બની રહ્યા છે તે પ્રજાતરફ પણ ધ્યાન આપશે

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છમાં રેમડેસીવીર ઈન્જેકશનનો વિવાદ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. લોકોને ઈન્જેકશન મળતાં નથી, જેના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તંત્રથી હતાશ બનેલા લોકોએ આજે જી.કે. જનરલ હોસ્પિટલની બહાર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગેની વાત કરીએ તો કોરોના પોઝિટીવ દર્દીને સ્વસ્થ થવા માટે રેમડેસીવર ઈન્જેકશન સંજીવની રૂપ સાબિત થાય છે, જો કે રાજ્યમાં એકાએક દર્દીઓ વધી ગયા અને ઈન્જેકશનની માંગને પહોંચી ન વળતાં અછત સર્જાઈ છે. કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને આ ઈન્જેકશનની જરૂરિયાત હોય તો તેના સ્વજન દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલમાં કતારો લગાવાય છે. જો કે ઈન્જેકશન મળતાં નથી, જેથી ત્રસ્ત બનેલા લોકોએ આજે ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસના રફીક મારાએ જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયાથી આ સમસ્યા છે. સિવિલ સર્જનની સહી વિના ઈન્જેકશન અપાતા નથી. વાગડ કે લખપત સહિતના વિસ્તારોમાં લોકો ઈન્જેકશન લેવા ભુજમાં હોસ્પિટલમાં કતારો લગાવે છે. સવારે ઉભા કરે ત્યારે સાંજે માંડ ઈન્જેકશન મળે છે. છ વાઈલની જરૂરિયાત સામે માત્ર બે જ વાઈલ આપવામાં આવે છે. તેમાં પણ સિવિલ સર્જન કયારેક મિટિંગોમાં વ્યસ્ત હોય, પાલારા જેલમાં ફરજ પર હોય જેથી તેમની ગેરહાજરીના કારણે લોકો પરેશાન થાય છે. ઈન્જેકશન વિતરણ માટે ચોક્કસ અધિકારીની નિમણુક થાય તેવી માંગણી પણ કરી હતી. ઈન્જેકશન ન મળતાં પરેશાન બનેલા દર્દીઓના સ્વજનો, રફીક મારા, નરેશ મહેશ્વરી સહિતના રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો.
કચ્છના ભચાઉ, માંડવી, અબડાસા, લખપત, મુંદરા, નખત્રાણા, રાપર સહિતના સ્થળોએથી દર્દીઓના પરિવારજનો ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ઈન્જેકશન લેવા ધક્કા ખાય છે. આ અંગે માંડવીના અરજદાર કિરણકુમાર ધુવાએ જણાવ્યું હતું કે, તેમના સંબંધી હર્ષ મેડિકલ સેન્ટરમાં દાખલ છે તેના માટે છઠ્ઠો ડોઝ લેવા માટે તેઓ સવારના ૭ વાગ્યાથી લાંબી લાઈનમાં ઉભા હતા. બપોરે ૧૧ વાગ્યાની આસપાસ વારો આવતા ઈન્જેકશન માટેની બારી બંધ કરી મીટીંગમાં જવાનું છે તેવું કહેવામાં આવે છે. ઉપરાંત દરરોજ આ બારી ૧૧થી ૧ર વાગ્યે ખુલ્લે છે, પરંતુ ડેપ્યુટી કલેકટર સહિતના આગમનના પગલે બારી ૧૦ વાગ્યે ખોલવામાં આવે છે. આ ઈન્જેકશન માટે ઓનલાઈન રૂા.૬૬૮ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે તથા તેના આધારો રજુ કરવાના હોય છે. તેમજ ઈન્જેકશન હોવા છતાં આપવામાં આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો બીજી અરજદાર ભુજ તાલુકાના થરાવડા ગામના પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, હું રેમડેસીવીર ઈન્જેકશન માટે છેલ્લા ત્રણ દિવસથી લાંબી લાઈનમાં ઉભો છું છતાં અંતે મીટીંગનું બહાનુ ધરી બારી બંધ કરી દેવામાં આવે છે. લોકોની અમુલ્ય માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલમાં ઈન્જેકશન બાબતે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે કચ્છના અલગ-અલગ તાલુકામાંથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મધ્યે શારીરિક-આર્થિક-માનસિક હાલાકી ભોગવી જ્યારે દર્દીના પરિવારજનો ઈન્જેકશન માટે આવે છે. ત્યારે લાંબી લાઈનમાં ઉભવા છતાં ઈન્જેકશન ન મળતા તેઓ નિરાશ થાય છે. આ માટે કચ્છના દરેક તાલુકા મથકે રેમડેસીવીર ઈન્જેકશન વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ઈન્જેકશનના અભાવે દર્દીના મોતનો દાખલો

ભુજ : જિલ્લાની એક હોસ્પિટલમાં કોવિડ પોઝિટીવ દર્દી દાખલ હતો, જેને ઈન્જેકશનની તાતી જરૂરિયાત હોવાથી તેનો સ્વજન ઈન્જેકશન લેવા ભુજમાં લાઈનમાં ઉભો રહ્યો, જયારે તેનો નંબર આવ્યો અને હાથમાં ઈન્જેકશન આવ્યું ત્યાં સુધીમાં પોઝિટીવ દર્દીએ ઈન્જેકશનના અભાવે દમ તોડી દીધો હતો.

દર્દીઓના સગા નહીં હોસ્પિટલનો સ્ટાફ ઈન્જેકશન લેવા આવે : ડો. રિના ચૌધરી

ડોકટર, સ્ટાફ અને સ્ટોક મળશે તો જ સુચારૂં વિતરણ થશે : જિલ્લામાં ૧૭ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વજન ઈન્જેકશન લેવા ન આવે, હોસ્પિટલમાંથી આવેલ એક વ્યક્તિને તમામ દર્દીઓના ઈન્જેકશન લઈ જવાના રહેશે કોવિડ કોર કમિટીમાં લેવાયો નિર્ણય

ભુજ : જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેકશનના સુચારૂં વિતરણ માટે તંત્ર દ્વારા સમિતિ બનાવાઈ છે, જેના નોડલ ઓફિસર અને જિલ્લા પુરવઠા અધિકારી ડો. રિના ચૌધરીએ કહ્યું કે, હાલમાં ત્રણ દિવસથી ઈન્જેકશનના વિતરણની જવાબદારી અમોને સોંપાઈ છે, જો કે હાલમાં સ્ટાફની અછત છે, જેટલા ઈન્જેકશનની માંગણી કરીએ તેના કરતા ઓછો સ્ટોક મળે છે જેના કારણે અવ્યવસ્થા થઈ છે. આજે કોરો કમિટીની મળેલી બેઠકમાં કલેકટર પાસે વધુ ૩ ડોકટરોની માંગણી કરાઈ હતી. જે પુરી કરવામાં આવી છે. અમારી પાસે ડોકટર અને પુરતો સ્ટાફ તેમજ પુરતો ઈન્જેકશનનો સ્ટોક હશે તો સુચારૂ વિતરણ કરી શકાશે. સરકાર માન્ય કોવિડ હોસ્પિટલને ઈન્જેકશનો અપાય છે. જિલ્લામાં ૧૭ જેટલી માન્ય ખાનગી કોવિડ હોસ્પિટલો છે, જેમાં દાખલ દર્દીઓ પાસેથી ઈન્જેકશનનો ચાર્જ વસૂલી ઈન્જેકશન અપાય છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાએ ઈન્જેકશન લેવા માટે આવવાનું રહેશે નહીં. હોસ્પિટલના ઓર્થોરાઈઝ વ્યક્તિ સિવિલ સર્જનની કચેરીએ સવારે ૧૦થી ૧ અને બપોર બાદ ૪થી ૬ દરમિયાન આવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઈન્જેકશન લઈ જવાના રહેશે. જો અમારી પાસે જથ્થો બચશે તો માનવતાના ધોરણે અન્ય હોસ્પિટલોને અપાશે. રેમડેસિવિર ઈન્જેકશન બાબતે લોકો ઘણા પેનિક થઈ રહ્યા છે. આ ઈન્જેકશનની ઘણી સાઈડ ઈફેકટ છે. ડોકટરની સલાહ લઈને જ ઈન્જેકશન મેળવવું જરૂરી છે. હાલમાં ૧૦૦ ગણી મેડિકલ કટોકટી જિલ્લામાં છે. એક જ આરએમઓ હોવાથી સુચારૂં વિતરણ થઈ શકયું નથી. સ્ટાફ મળી જવાથી આ વ્યવસ્થા સુચારૂ થઈ જશે. આજે સર્જાયેલી અવ્યવસ્થા બાબતે કહ્યું કે, અમે સવારે ૮ વાગ્યે આવી ગયા હતા, પરંતુ મિટિંગો ચાલુ હોવાથી ઈન્જેકશન વિતરણ ન થઈ શકયું હવે ટોકન આપી તમામને ઈન્જેકશન અપાઈ રહ્યા છે. ૮ – ૮ કલાકની ડોકટરની સીફટમાં ઈન્જેકશન વિતરણ થાય તે માટેનું આયોજન છે.