રૂ.૨૮ કરોડની ગ્રાન્ટ અંજાર વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરાઇ

મુખ્યપ્રધાન વિજયભાઇરૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની વિકાસશીલ સરકાર દ્વારા પરિવહન ક્ષેત્રે અવિરત વિકાસ થાય તે માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહે છે.

અંજાર વિધાનસભા મતવિસ્તારના વિકાસ માટે પરિવહન ક્ષેત્રે પાયાની સુવિધાઓ મળી રહે તે માટે સતત જાગૃત રહેતા રાજ્યકક્ષા મંત્રીશ્રી વાસણભાઇઆહીરે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં સતત રજૂઆતો કરતા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના અંજાર વિધાનસભા મત વિસ્તારના ભુજ અને અંજાર તાલુકાના નીચે દર્શાવેલ કુલ રૂ.૧૨.૦૫ કરોડ ખર્ચ કાચાથી ડામર રસ્તા બનાવવા તથા વાઇડનીંગ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરી જોબનંબર આપવામાં આવેલ છે. વધુમાં, આ રસ્તાઓની આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરશ્રીને સૂચના પણ  આપવામાં આવેલ છે.

આ કામોમાં વીડી હનુમાન ગુફાથી ખોડીયાર માતાના મંદિર સુધી, ૧.૫૦ કિ.મી. અંદાજીત રૂ.૭૫.૦૦ લાખ, મારીંગણા થી ખંભરા, ૬.૦૦ કિ.મી., અંદાજીત રૂ.૨૫૦.૦૦ લાખ, જુની ધાણેટીથી નવી ધાણેટી, ૧.૫૦ કિ.મી., અંદાજીત રૂ.૭૦.૦૦ લાખ, ભલોટ થી ચકાર(વાયાપાબુદાદા મંદિર) ૯.૦૦ કિ.મી., અંદાજીત રૂ.૫૦૦.૦૦ લાખ, ગળપાદર ચંદ્રુવા રોડ, ૩.૦૦ કિ.મી., અંદાજીત રૂ.૧૬૦.૦૦ લાખ, ગળપાદર અપ્રોચ રોડ, ૩.૦૦ કિ.મી., અંદાજીત રૂ.૧૫૦.૦૦ લાખ (પહોળો કરવા).

આ ઉપરાંત અંજાર મતવિસ્તારના ભુજ તાલુકાના ધાણેટીથી નાડાપાને જોડતો રસ્તો અંદાજે ૧૬ કરોડના ખર્ચે મંજૂર કરી જોબ નંબર આપવામાં આવેલ છે. આ ખૂબજ જુના સમયથી પડતર બાબત હતી તેનો નિકાલ આવતા વિસ્તારના ઉદ્યોગકારો અને આમ જનતામાં આનંદની લાગણી ઉદભવી છે. આમ કુલ ૨૮ કરોડના કામો મંજૂર કરવામાં આવેલ છે.

આ રસ્તાના કામો થવાથી અંજાર મતક્ષેત્ર વિસ્તારના પરિવહન ક્ષેત્રે લોકોને વિશેષ સવલતો પ્રાપ્ત થશે. આ વિસ્તારના ઔદ્યોગીક એકમો, ટ્રાન્સપોર્ટેશન, પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો અંજાર મતક્ષેત્ર ધારાસભ્યશ્રી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, જિલ્લાના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ વિકાસ કામોની મંજુરીથી સમગ્ર કચ્છમાં ખુશીની લાગણી જોવા મળેલ છે.