રૂપિયા ખર્ચવા છતાં ઈન્જેક્શન ન મળવાથી કચ્છના દર્દીઓની જીવનનૈયા ડામાડોળ

Syringe, medical injection in hand, palm or fingers. Medicine plastic vaccination equipment with needle. Nurse or doctor. Liquid drug or narcotic. Health care in hospital.; Shutterstock ID 319466393

ઈએનટી સર્જન તબીબો મ્યુકરમાઈકોસિસના દર્દીમાં ફંગસની બાયોપ્સી કરવા તૈયાર, પણ ફંગસ વધુ ન પ્રસરે તે માટે ૧પ થી ર૦ દિવસ સુધી આપવા પડે ઈન્જેક્શન : એક દિવસના ડોઝની કિંમત ૪ર થી ૪પ હજાર : જિલ્લામાં ક્યાંય ઈન્જેક્શન ન મળતા હોવાથી સારવાર કરવા ઈચ્છુક તબીબોના હાથ પણ બંધાયા : જી.કે.માં ઈન્જેક્શન વિતરણ કેન્દ્ર શરૂ કરાવો તો જ દર્દીઓના જીવ બચે

ભુજ : રાજ્યમાં મ્યુકરમાયકોસિસ મહામારીએ દર્દીઓના જીવ પડીકે બાંધી દીધા છે તેમાં પણ વ્હાઈટ ફંગસ અને બ્લેક ફંગસની બીમારીએ લોકોને વધુ ભયભીત કર્યા છે. આખા દેશની સરખામણીએ સૌથી વધુ કેસો ગુજરાતમાં દર્શાવાયા છે. ઈન્જેક્શનના અભાવે દર્દીઓની જીવનનૈયા ડામાડોળ થઈ રહી છે. આવા સમયે કચ્છના દર્દીઓની હાલત પણ ન કોઈને કહેવાય અને ન સહેવાય તેવી થઈ છે. કારણ કે, આ રોગની સારવાર ઘણી ખર્ચાળ છે. તેમાં જે વર્ગ રૂપિયા ખર્ચી સારવાર લેવા ઈચ્છે છે તેને ઈન્જેક્શન મળતા નથી. અમુક દર્દીઓએ તો ખર્ચો જાણી અધવચ્ચેથી સારવાર મૂકી દીધા હોવાના અહેવાલ છે.
આ અંગેની વિગતો મુજબ જે દર્દીઓ કોરોનાથી સંક્રમિત બન્યા હોય અને ડાયાબિટીસની બીમારી ધરાવતા હોય તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન સાથે વધુ સમય દાખલ રહ્યા હોય તેવા દર્દીઓમાં બીમારીનો ચેપ લાગવાની શક્યતા ઘણી વધુ છે. ઘણા કેસોમાં તો ખાલી કોવિડ પોઝિટીવ વ્યક્તિને પણ બીમારીનો ચેપ લાગ્યો છે. કોરોના કરતા આ બીમારી વધુ ઘાતક બની છે. કારણ કે, કોવિડમાં દર્દીને રેમડેસિવીર ન મળે તો પણ તેની સારવાર થઈ શકે, પણ આ બીમારીમાં ફરજીયાત દર્દીને ઈન્જેક્શન આપવા પડે, જે કચ્છમાં ક્યાંંય મળતા નથી. રાજકોટ અને અમદાવાદથી ઈન્જેક્શન મંગાવવા પડે છે, જેમાં પણ અપુરતો જથ્થો આવવાથી દર્દીઓ ઈન્જેક્શનના અભાવે વધુ ક્રિટીકલ બની રહ્યા છે. આ બીમારીમાં સંભવિત દર્દીને નાક, આંખ અને મોઢાના ભાગે ફંગસનો પ્રસરાવ થાય છે. સિટી સ્કેનમાં તેનું નિદાન થયા બાદ ઈએનટી સર્જનો દર્દીની બાયોપ્સી કરી ફંગસ બહાર કાઢી ઓપરેશન તો કરી આપે છે, પણ ફંગસ કાઢ્યા બાદ શરીરમાં તેનો પ્રસરાવ વધે નહીં તે માટે ઈન્જેક્શન આપવું જરૂરી છે, જે મળતા નથી.
ભુજના ઈએનટી સર્જન ડૉ. હાર્દિક દરાડ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મ્યુકરમાયકોસિસની આ બીમારીમાં ઈન્જેક્શન મળતા નથી. અમે ઈએનટી સર્જન દર્દીના શરીરમાંથી ફંગસ કાઢી લઈએ, પણ શરીરમાં ફંગસનો વધુ પ્રસરાવ ન થાય તે માટે ૧પ થી ર૦ દિવસ સુધી દર્દીને ઈન્જેક્શન આપવા પડે તો જ તે સ્વસ્થ થાય. ઈન્જેક્શનના પૂર્ણ ડોઝ બાદ મહિના સુધી બીજી દવાઓ લેવી પડે, જેથી દોઢ-બે મહિને દર્દી રિકવર થાય. જાે કોઈને બીમારીનો ચેપ હોય અને તેનું વજન ૬૦ કિલોગ્રામ હોય તો દૈનિક ૩૦૦ મિલીગ્રામ ઈન્જેક્શનના ડોઝ આપવા પડે. સારી કંપનીના અને શરીરને નુકસાન ન કરે તેવા ઈન્જેક્શનની કિંમત અંદાજે ૭ થી ૮ હજાર હોય છે. દૈનિક ડોઝનો ખર્ચો ૪ર થી ૪પ હજાર થાય છે. ઘણા કેસોમાં દર્દીઓના સગા રૂપિયા ખર્ચવા તૈયાર છે છતાં ઈન્જેક્શન મળતા નથી. લોકોને ઈન્જેક્શન લેવા રાજકોટ, અમદાવાદ, મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. આવા સમયે રેમડેસિવીરની જેમ જી.કે. જનરલમાં રૂપિયા દઈને સરકાર ઈન્જેક્શનનું વિતરણ કરે તો દર્દીઓને મોટી રાહત થાય તેમ છે. હાલ ઈન્જેક્શનના અભાવે પ્રાઈવેટ તબીબોના હાથ પણ બંધાઈ ગયા છે.
નોંધનીય છે કે, કચ્છમાં ચોબારીના બે દર્દીઓ ઈન્જેક્શનના અભાવે મોતને ભેટ્યા. એક કેસમાં તો ઈન્જેક્શનનો ખર્ચો વધી જતા દર્દીને અધવચ્ચેથી સારવાર છોડવાની ફરજ પડી. ઈન્જેક્શન ન મળ્યા તો છેવટે દર્દીનો જીવ બચાવવા બાળકની શીરપ પણ પીવડાવવાની ફરજ આવી હતી. આ બીમારીમાં ઘણા દર્દીઓને આંખ અંધાપો પણ આવી ગયો છે. આ સ્થિતિમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છ સાથે સરકારે અન્યાય કર્યો છે. રેમડેસિવીરમાં તો લોકોના ઉગ્ર વિરોધ બાદ વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ, પણ આ બીમારીમાં તંત્ર જાગે અને પાણી પહેલા પાળ બાંધી સ્થાનિકે ઈન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી માંગ અસરગ્રસ્ત પરિવારો અને બીમારીને નજરે જાેનારા તબીબો કરી રહ્યા છે.

જી.કે.માં મ્યુકરમાઇકોસિસના દાખલ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓમાં આંખ સબંધી લક્ષણ

આંખની દ્રષ્ટિએ તેઓ સ્ટેબલ : ઈએનટી અને આઈ વિભાગ દ્વારા અપાતી સારવાર

ભુજ : બ્લેક ફંગસ યાને કે, મ્યુકરમાઇકોસિસના કેસો હાલના તબક્કે સામે આવી રહ્યા છે. તેમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નાક સબંધી રોગ, મગજ, માથાનો દુઃખાવો તથા ચહેરાની પીડા વિગેરે દર્દો જાેવા મળી રહ્યા છે ત્યારે તેની સાથે આંખ સબંધિત સમસ્યાઓની પણ દેખાઈ રહી હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ જણાવ્યુ હતું. હોસ્પિટલના આંખ વિભાગના વડા અને પ્રો.ડો. કવિતા શાહે જણાવ્યુ હતું કે, મ્યુકરમાઈકોસીસમાં આંખની સમસ્યા જાેવા મળે છે, પરંતુ અત્યારે જી.કે.માં દાખલ આ રોગના ૧૩ દર્દીઓ પૈકી માત્ર ત્રણ જેટલા દર્દીઓને આંખ ઉપર અસર થઈ છે. અને તેમની સારવાર તેના વોર્ડમાં શરૂ કરી દેવામાં આવી છે. તબીબે વધુમાં કહ્યું કે, આ રોગમાં એક સાથે ઘણા લક્ષણો જાેવા મળતા હોવાથી આંખ વિભાગના સીધા નથી આવતા, પરંતુ બ્લેક ફંગસના દર્દીને અલગ રાખી આંખ, કાન અને નાક વિભાગ સાથે રહી સંયુક્ત રીતે સારવાર કરવામાં આવે છે. અને આંખને સબંધ છે ત્યાં સુધી આ દર્દીઓ સ્ટેબલ છે કોઈ જાેખમ નથી. તેમણે દર્દીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, મ્યુકરમાઇકોસિસના કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લ્યો તેની અવગણના ન કરવા પણ સલાહ આપવામાં આવી છે. લોહીમાં ગ્લુકોઝની માત્રા નિયંત્રિત રાખવાથી પણ આંખને ઓછી અસર થાય છે. જાે આંખને વધુ અસર કરે તો લાંબી સારવાર ખર્ચાળ ઉપરાંત ક્યારેક આંખ ગુમાવવાનો પણ વખત આવે છે. પરંતુ, જાે સમયસર ચેતી જવાય તો બ્લેક ફંગસથી બચાશે અને સાથે આંખ પણ.