રૂદ્રમાતા નજીક કચ્છ સફારી રિસોર્ટમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ

image description

૧.૩ર લાખની રોકડ રકમ સાથે ૪ મહિલા સહિત ૭ ખેલીઓને પોલીસે ઝડપ્યા : કચ્છ સફારી રીસોર્ટમાં રૂમ ભાડે રાખી નાલ ઉઘરાવીને બહારથી ખેલી બોલાવી રમાડાતો જુગાર

નાલ ઉઘરાવી રીસોર્ટમાં રૂમ ભાડે રાખી ધમધમતી જુગાર કલબ બાબતે કચ્છ સફારી રીસોર્ટના સંચાલક અંધારામાં કે પછી કરતા હતા આંખમિચામણા ?: તપાસનીસ પોલીસ આવા રીસોર્ટ સંચાલકના લાયસન્સ પરવાના કેમ ન કરે રદ? : રીસોર્ટના ચોકીદાર અને ઝડપાયેલ અંજારના રમઝુના કડક રીમાન્ડ લેવાય તો જુગાર કાંડમાં થાયફ વધુ ખુલાસા

(ક્રાઈમ પ્રતિનિધિ) ભુજ : તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલા કચ્છ સફારી રિસોર્ટમાં ધમધમતી હાઈ પ્રોફાઈલ જુગાર કલબનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિલા સહિત સાત ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન ૧.૩ર લાખની રોકડ સહિત કુલ્લ ર.૬૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંગની સુચનાને પગલે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ. જે. રાણા, પીએસઆઈ એચ. એમ. ગોહિલ સહિતનો સ્ટાફ જિલ્લામાં દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીગમાં હતો, તે દરમ્યાન મળેલી ખાનગી બાતમી હકિકતને આધારે ભુજ – ખાવડા રોડ પર આવેલા રૂદ્રમાતા નજીકના કચ્છ સફારી રિસોર્ટમાં ધમધમતી હાઈ પ્રોફાઈલ જુગાર કલબ પર દરોડો પાડયો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ભુજ તાલુકાના સુમરાસર શેખમાં રહેતી જશીબેન કાનજીભાઈ ચાડ નામની મહિલા રૂદ્રમાતા ડેમની બાજુમાં આવેલા કચ્છ સફારી રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને બહારથી ખેલીઓ બોલાવીને પોતાના આર્થીક ફાયદા માટે નાલ ઉઘરાવીને તીનપતિનો જુગાર રમાડે છે, જેને આધારે એલસીબીની ટીમે તુરંત વર્કઆઉટ કરીને દરોડો પાડયો હતો. જેમાં જુગાર કલબની સંચાલિકા જશીબેન ચાડ ઉપરાંત સુમરાસર શેખમાં રહેતી રાધાબેન મુકેશભાઈ હીરાભાઈ માતા (આહિર), અંજારની અંબિકા સોસાયટીમાં રહેતી મીતાબેન ઉર્ફે માલા રમેશભાઈ ઠક્કર, ભુજના હાઉસીંગ બોર્ડની સામે રાવલવાડીમાં રહેતી રમીલાબેન નરભેરામ મેઘજી ઠક્કર, હરિપરમાં રહેતા પ્રેમજી લખુ મહેશ્વરી, વાલ્મિકીનગર લોટસ કોલોનીમાં રહેતા દિનેશ રમેશ ડાંગર, સુમરાસર શેખમાં રમજુ ઈસ્માઈલ શેખની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબજામાંથી પોલીસે રોકડ રૂપિયા ૧,૩ર,૬૦૦/- તેમજ ૩૦,પ૦૦/-ની કિંમતના સાત નંગ મોબાઈલ ઉપરાંત જી.જે.૧ર.એકસ.૪૪૬૭ નંબરની રૂપિયા એક લાખની તુફાન ગાડી મળીને પોલીસે ર,૬૩,૧૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવને પગલે એલસીબીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જાે મહિલાઓ રિસોર્ટનો રૂમ ભાડે રાખીને તેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતી હોય તો તેમાં રિસોર્ટ માલિકની પણ એટલી જ જવાબદારી બને છે. આ રીતે ગેરકાયદેસર પ્રવૃતિઓ જે રિસોર્ટમાં ધમધમતી હોય તો રિસોર્ટ માલિકો વિરૂદ્ધ પણ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરીને કડક પગલા ભરવા અનિવાર્ય છે.