રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી બજાવશે

મુંબઈ,તા.૨૦ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી બજાવશે. ભારતીય ટીમ શ્રીલંકામાં મર્યાદિત ઓવરોવાળી મેચોની સિરીઝ રમવાની છે. રાષ્ટ્રીય સિનિયર પુરુષ ટીમનું કોચપદ સંભાળવાનો દ્રવિડને આ બીજી વાર મોકો મળ્યો છે. આ પહેલાં ૨૦૧૪માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના એ બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે ગયા હતા.
કોચ તરીકે ૪૮-વર્ષીય દ્રવિડની નિમણૂક કરવા પાછળનું કારણ ટીમના વડા કોચ રવિ શાસ્ત્રી તથા અન્ય કોચ ભરત અરૂણ (બોલિંગ), આર. શ્રીધર (ફિલ્ડિંગ), વિક્રમ રાઠોર (બેટિંગ)ની ગેરહાજરી છે. આ ચારેય કોચ આવતા ઓગસ્ટમાં ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચની સિરીઝ રમવાર ટેસ્ટ ટીમ સાથે હશે. વળી, સ્ટાર ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે જવાના નથી અને સેકન્ડ-લેવલની ટીમ જવાની છે. તેમાંના મોટા ભાગના એ ખેલાડીઓ હશે જેઓ ભૂતકાળમાં દ્રવિડે ઈન્ડિયા અન્ડર-૧૯ અને ઈન્ડિયા-છ ટીમોનું કોચપદ સંભાળ્યું હતું ત્યારે એમના હાથ નીચે રમ્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ જુલાઈથી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે (૧૩, ૧૬, ૧૯ જુલાઈ) જ્યારે ટ્‌વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ ૨૨ જુલાઈથી રમાશે