રાસાયણિક ખાતરોમાં ભાવ વધતા કિસાન આલમમાં રોષ

ભુજ : રાસાયણિક ખાતરોમાં અધધ ભાવ વધારો ઝીંકી દેવાતા સમગ્ર કિશાન આલમમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હોવાનું ભારતીય કિશાન સંઘે જણાવ્યું છે. સંઘની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ડીએપી ખાતરમાં પ૦ કિલોની થેલીમાં ૭૦૦ રૂપિયા વધારી ૧૯૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. તો એનપીકે ખાતરમાં ૧૧૮પથી ભાવ વધારી ૧૮૦૦ કરી દેવાયા છે. એકતરફ કેન્દ્ર સરકાર કિસાનોની આવક બમણી કરવાનો દાવો કરે છે. જયારે બીજીતરફ ખાતરોમાં ભાવ વધારી જણસોના ભાવ ખેડૂતોને ઓછા મળે તેવી નીતિ થઈ છે. ઉપજમાં ભાવ વધારો થતો નથી અને ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે.