રામપર (અબડા)માં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત

ભચાઉના ખારોઈમાં છત ઉપર કામ કરતો યુવાન અકસ્માતે પડી જતા મોતને ભેટ્યો

(ક્રાઈમ પ્રતિનિધિ)નલિયા : અબડાસા તાલુકાના રામપર (અબડા) ગામે ૪પ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તો ભચાઉના ખારોઈ ગામે છત ઉપર કામ કરતો યુવાન અકસ્માતે નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. જિલ્લામાં અપમૃત્યુના બે બનાવોના પગલે હતભાગીઓના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. નલિયા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ રામપર (અબડા)માં રહેતા લાલુભા દાનુભા જાડેજા (ઉ.વ. ૪પ) નામના યુવાને પોતાના રહેણાક મકાનની બાજુમાં આવેલા વાડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વાડા પાસે રમતા નાના બાળકોએ હતભાગી યુવાનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલ જોતા બાળકોએ ઘટનાની જાણ કરી હતી. હતભાગીએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આ ફાનિદુનિયાને અલવિદા કરી હતી. બનાવને પગલે નલિયા પોલીસે અકસ્માત-મોતનો મામલો દર્જ કરતા પીએસઆઈ વી.બી. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભચાઉ તાલુકાના ખારોઈ ગામે મકાનની છત ઉપર કામ કરતા રાહુલ પાચાભાઈ લોંચા (ઉ.વ. ૧૮) નામનો યુવાન કામ કરતા કરતા અકસ્માતે પડી જતા મોતને ભેટ્યો હતો. હતભાગી છત ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન હતભાગીએ તોડતા ભચાઉ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જેને પગલે પીએસઆઈ એમ.કે. મક્વાણાએ આગળની તપાસ હાથ ધરી છે.