રાપર તાલુકાના મોડામાં મારામારીના બનાવમાં સામસામે ફોજદારી

એક વર્ષ પૂર્વે દીકરી ભગાડી જવાના કિસ્સાની અદાવતમાં બનાવ બન્યો

રાપર : તાલુકાના મોડા ગામે બે પરિવારો હથિયારો સાથે સામસામે મારામારી કરતાં આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આડેસર પોલીસ સ્ટેશને દામજી માવજી ભટ્ટીએ આરોપીઓ ભવાન મનજી ભટ્ટી, હીરા મનજી ભટ્ટી તથા વાલજી ભવાન ભટ્ટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની દીકરી એક વર્ષ પૂર્વે ભાગી ગઈ હતી, જેને ભગાડવામાં ફરિયાદીએ સાથ આપ્યો હોવાનું જણાવી આરોપીઓએ ફરિયાદી દામજીને લાકડીઓથી આડેધડ માર માર્યો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. તો બીજીતરફ ભવાન રામજી ભટ્ટીએ આરોપીઓ દામજી માવજી ભટ્ટી, માવજી ભીખા ભટ્ટી, બાબુ માવજી ભટ્ટી, ગેલા ભીખા ભટ્ટી અને પ્રવીણ ગેલા ભટ્ટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી દામજીની ફરિયાદીના દિકરા સાથે જીભા જોડી થતાં જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદ વીરાભાઈને લાકડી વડે માર માર્યો હતો. બાદમાં તેઓ ઘરે જતા હતા, ત્યારે આરોપી બાબુ, ગેલા અને પ્રવીણે પાછળથી આવી લાકડીથી માર માર્યો હતો. આડેસર પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ પીએસઆઈ જી.એ. ધોરીએ સંભાળી છે.