રાપરમાં સાડા પાંચ, ભચાઉમાં ચાર ઈચ વરસાદ ખાબકયો

0
102

  • અંતે વાગડ પર મેઘો મહેરબાન

લાંબા સમય બાદ કચ્છના પ્રવેશદ્વાર સમા રાપર – ભચાઉ વિસ્તારમાં ધીંગી મેઘ મહેર થતા ધરતીપુત્રો- પશુપાલકો સહિતના લોકો ખુશખુશાલ : ભારે વરસાદના પગલે બંને શહેરોના માર્ગો પરથી જોશભેર વહ્યા પાણી : ગામડાઓમાં પણ દોઢથી બે ઈચ જેટલો વરસાદ : ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયા પાણી : ભારે વરસાદને પગલે વિજપાસરની નદી બે કાંઠે વહી

જિલ્લા મથક ભુજમાં રાત્રીથી ઝાપટાઓના દોર બાદ સવારે ધોધમાર વરસાદ :ગાંધીધામ, અંજાર, નખત્રાણા, લખપત, અબડાસા સહિતના વિસ્તારોમાં પણ રાત્રીથી ઝરમરિયાથી ઝાપટાનો દોર : જિલ્લા ભરમાં વાદળોના જમાવડાના પગલે વધુ વરસાદની આશા બની પ્રબળ

ભુજ : સાઈકલોનિક સર્ક્યુલેશન અસરના પગલે આગામી ૩ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છના વાતાવરણમાં પણ સતત પરિવર્તન આવી રહ્યું હોઈ આ સરહદી જિલ્લો રેડ અને ઓરેન્જ ઝોન વચ્ચે ચડાવ ઉતારમાં જોવા મળી રહ્યો છે. ગત રોજ આ જિલ્લો રેડ ઝોનમાં જોવા મળી રહ્યો હતો. જે બાદ ફરી ઓરેન્જ ઝોનમાં મુકી દેવાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોની સાથો સાથ કચ્છના વાતાવરણમાં પણ ગત બપોર બાદથી એકાએક પરિવર્તન નોંધાયું હોઈ મેઘરાજાએ જિલ્લોામાં ફરી પધરામણી કરી છે. લાંબા સમયથી વરસાદ માટે જંખી રહેલા વાગડ પર અંતે મેઘરાજાએ કૃપા દ્રષ્ટિ કરતાં ર૪ કલાકથી ઓછા સમયમાં રાપરમાં સાડા પાંચ ઈંચ અને ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો છે. તો જિલ્લા મથક ભુજમાં પણ સવારે ૧૧ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પરથી જોશભેર પાણી વહેવા લાગ્યા હતા.આ અંગેની વિગતો મુજબ દરિયામાં સર્જાયેલા સાયકલોનીક સર્ક્યુલેશનની અસરના પગલે કચ્છમાં આજથી બે દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગત બપોર બાદથી વાગડ પંથકમાં પધરામણી કરેલા મેઘરાજાએ આજે સવારે પણ કૃપા વરસાવવાનું જારી રાખ્યું હતું. કચ્છ જિલ્લામાં અષાઢી બીજ એટલે કે, કચ્છી નવાવર્ષના પ્રારંભની સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. એકાદ પખવાડિયા સુધી વરસાદનો પ્રથમ રાઉન્ડ જારી રહ્યો હતો. જેમાં પશ્ચિમ કચ્છ પર તો મેઘરાજાએ પોતાનું રડાર ક્રેન્દ્રીત કરી અનહદ હેત વરસાવતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વ કચ્છમાં પણ અંજાર – ગાંધીધામ પંથક પર સપ્રમાણ હેત વરસાવ્યું હતું. પરંતુ રાપર અને ભચાઉ પંથક પર મેઘરાજાએ દ્રષ્ટિ જ ન કરતાં આ બંંને તાલુકાઓમાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી હતી. જો કે ગત બપોર બાદથી વાગડ પંથક પર વરસાદ સ્થિર થયો હોઈ આ બંને તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે.રાપર શહેરમાં ગત બપોરથી ઝરમરિયા રૂપે શરૂ થયેલા વરસાદે બાદમાં રૌદ્રરૂપ ધારણ કરતા માત્ર બેથી અઢી કલાકમાં જ ૪ ઈંચ પાણી વરસી ગયું હતું. જે બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. જો કે મોડી રાત્રીથી ઝરમરિયાથી ઝાપટા રૂપે હાજરી પુરાવ્યા બાદ આજે સવારે ફરી ધોધમાર વરસાદ ખાબકતા ર૪ કલાકની અંદર જ રાપર શહેરમાં સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. શહેરના દેના બેંક ચોક, માંડવી ચોક, બસ સ્ટેશન રોડ, ભૂતિયા કોઠા, સલારીનાકા, અયોધ્યાપુરી સહિતના વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી. લાંબા સમય બાદ વરસેલા વરસાદને પગલે શહેરીજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવ, નંદાસર, નિલપર, ખીરઈ, ડાવરી, બાલાસર, કલ્યાણપર, મોડા, ફતેહગઢ, આડેસર, ચિત્રોડ, ગાગોદર, ભીમાસર, ગેડી, નલિયાટીંબા, પલાંસવા, જાટાવાડ, આણંદસર, સુવઈ, રામવાવ, હમીરપર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કૃપા દ્રષ્ટિ વરસાવતા ખેડૂત, પશુપાલક સહિતના વર્ગોમાં હરખની હેલી જોવા મળી હતી. રાપરમાં હવે ચાલુ સીઝનનો વરસાદ ર૬૮ એમએમ એટલે કે, પોણા અગિયાર ઈંચ જેટલો નોંધાઈ ચુકયો છે.
વાગડ પંથકના રાપર ઉપરાંત ભચાઉમાં પણ મેઘરાજાએ છટાછટી બોલાવી ૪ ઈંચ પાણી વરસાવી દિધુ છે. તો તાલુકાના મનફરા, ચોબારી, લાકડિયા, કટારિયા, કણખોઈ, વાંઢિયા, જંગી, શિકારપુર, વોંધ, ભરૂડિયા સહિતના ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તો ભારે વરસાદને કારણે તાલુકાના વિજપાસર ગામની નદી બે કાંઠે વહી હતી. ભચાઉમાં ગત સાંજથી રાત્રી સુધીમાં પ૪ એમએમ અને મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં પ૦ એમએમ મળી ૪ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો હતો. આજે સવારે પણ વાદળોનો જમાવડો હોઈ સારા વરસાદની આશા પ્રબળ બની છે. ભચાઉ સીઝનનો અત્યાર સુધીનો વરસાદ ર૩૩ એમએમ એટલે કે ૧૦ ઈંચની નજીક પહોંચી ગયો છે.જિલ્લા મથક ભુજમાં ગત મોડી રાત્રીના ઝાપટુ વરસ્યા બાદ આજ સવારથી આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. સવારે ૧૧ વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પરથી જોશભેર પાણી વહી નિકળ્યા હતા. આજે રવિવાર હોઈ શહેરીજનો વરસાદની મોજ માણવા બહાર નિકળ્યા હતા. તો વરસાદના કારણે હરહંમશની માફક વાણિયાવાડ, બસ સ્ટેશન સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા. ભુજ તાલુકાના પચ્છમ વિસ્તાર પૈયા, ધોરાવર, તુગા, લુડીયા, ગોડપર, ખારી સોયાલા સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ગોરા ડુંગરમાં નદીઓમાં પાણીના વહેણ જોશભેર વહ્યા હતા. ખાવડા, ખારીમાં માં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દેઢીયા, જુણા, જામકુનરીઆ, કાળાડુંગર, કુરન,પદ્ધર, કાળીતળાવડી, મમુઆરા સહિત ગામોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગત બપોર બાદ કચ્છના પ્રવેશદ્વાર એવા વાગડ પંથકથી મેઘરાજાએ જિલ્લામાં પધરામણી કરી હતી. રાપર – ભચાઉ બાદ મેઘમહેર આગળ વધતા પૂર્વ કચ્છની સાથોસાથ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા વરસ્યા છે. કચ્છના ઔધોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં ગત રાત્રીથી ઝાપટાઓનો દોર જોવા મળ્યો હતો. આજે સવારે પણ હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા. ઐતિહાસીક શહેર અંજાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રીથી સવાર સુધી ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સરહદી લખપત તાલુકા પર ચાલુ સીઝન દરમિયાન મેઘરાજાએ અનહદ હેત વરસાવ્યું છે. ત્યારે ફરી ગત મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં ઝાપટારૂપે ૭ એમએમ પાણી વરસી ગયું હતું. તો પશ્ચિમ કચ્છના બારડોલી એવા નખત્રાણામાં પણ ઝરમરિયાથી ઝાપટાનો દોર જોવા મળ્યો હતો.જિલ્લા મથક ભુજમાં સવારથી ઝાપટાંઓનો દોર શરૂ થયો હતો જે બપોર સુધી જારી રહેતા શહેરના માર્ગો પરથી પાણી વહેતા નજરે ચડ્યા હતા. આકાશમાં વાદળોનું ભારે જમાવડો હોઈ વધુ વરસાદની આશા પણ પ્રબળ બની હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. લોરિયા ગામે ૧૧ વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂત વર્ગ સહિતના લોકોમાં ખુશી ફેલાઈ હતી. અડધાથી પોણો ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. કુકમા તેમજ આસપાસના ગામોમાં પણ હળવાથી ભારે ઝાપટાં વરસતા માર્ગો પરથી પાણી વહ્યા હતા. રાપર શહેર પર મેઘરાજાએ મનમુકીને હેત વરસાવતા શહેરના તળાવમાં પણ નવા નીરનું આગમન થયું હતું. અંજારમાં બપોરે ૧ર વાગ્યા બાદ ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયો હતો. ભારે ઝાપટાં રૂપે શરૂ થયેલા વરસાદે જોત જોતમાં ભારે ગતિ પકડતા માર્ગો પરથી પાણી વહેવા લાગ્યા હતા. વરસાદના ભારે જોરના પગલે વીજીબિલીટી પણ ઘટી ગઈ હતી. પાણીના પ્રવાહના કારણે નિચાણ વાળા માર્ગો પર જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગો પર પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દર્શ્યો પણ જોવા મળ્યા હતા.નિરોણા તેમજ પાવરપટ્ટીના વિસ્તારોમા ભારે ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. નિરોણામાં ઝાપટું વરસતા ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા.

ગઢશીશા વિસ્તારમાં સવારથી ધીમીધારની મેઘવર્ષા

કપાસ, મગફળી, પપૈયા, કેળા, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનીની ભીતિ : દેવી ચંદુમાના આશીર્વાદથી અંબિકા ચંદુનિકેતન ટ્રસ્ટ દ્વારા માધાપરની હેત એજન્સીના સહયોગથી ગઢશીશા જુની પાંજરાપોળ ખાતે આવતીકાલે પશુ મેડિકલ કેમ્પનું આયોજન

ગઢશીશા : કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી છે, તો આ વિસ્તારમાં પશુઓમાં અને એમાંય ખાસ ગાયોમાં લમ્પી નામનો રોગે ભીસરો લેતા દૂધાળા પશુઓ અને ગૌવંશ અકાળે મોતને ભેટી રહ્યા હોઈ માલધારી વર્ગ પણ ચિંતિત બન્યો છે. અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં બાગાયતી ખેતીમાં કેળા, પયૈયા સહિતના પાકોમાં નુકશાની થવા પામી છે. તો કપાસ અને મગફળી તેમજ એરંડાની ખેતીમાં વ્યાપક નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. ગઢશીશા વિસ્તારમાં એકાદ દિવસના ઉગાડથી ખેડૂતોમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું, પરંતુ આજે સવારથી ધીમીધારનો એક ઈંચ જેટલો વરસાદ બપોર દરમ્યાન થવા પામ્યો હતો. મોસમનો કુલ વરસાદનો આંક ૩૧ ઈંચને પાર કરી ગયો છે. પશુઓ માટે ગઢશીશા પશુ દવાખાને તબીબ હાજર હોવાનું સરપંચ કોમલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું. આવતીકાલે ચંદુનિકેતન ટ્રસ્ટ ગઢશીશા દ્વારા પશુ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.