રાપરમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા પ્રાંત દ્વારા કડક સૂચના

પોલીસ અને વહિવટી તંત્રની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કરીને નિયમો ભંગ કરનાર સામે કરાઈ કાર્યવાહી

રાપર : રાપરમાં સીએચસી ખાતે કોવિડ-૧૯ના રેપિડ એન્ટીજન ટેસ્ટમાં ૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૬ કેસો પોઝિટિવ નોંધાયા હતા. અને રાપર તાલુકામા ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટમા કેસો આવતા હડકંપ મચી ગયો છે. ત્યારે રાપર શહેરમાં કોવિડ-૧૯ના કેસ વધતા અટકાવવા માટે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે દ્વારા એક્શન મોડમાં આવીને રાપર તાલુકામાં કોવિડ-૧૯ અંતર્ગત કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તાત્કાલિક પગલાં લેવા સુચના આપવામાં આવી હતી. અને તંત્રને કડક પગલાં લેવા તાકીદ કરી હતી. ત્યારે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભા ખંડમાં ભચાઉ પ્રાંત અધિકારી પી.એ જાડેજાના અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ના અમલ કરવા તાકીદની બેઠક મળી હતી. જેમાં તાલુકા મામલતદાર એચ.જી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર.કે રાઠવા, આંકડા અધિકારી ડી.જે ચાવડા, ચીફ ઓફિસર મૌલિક વૈંશ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, પીએસઆઇ જી. જી. જાડેજા, એન.ડી. પરમાર સહિતના અધિકારીઓ અને કોવિડ-૧૯ અંતર્ગત ટીમના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા પ્રાંત અધિકારી પી.એ જાડેજાએ રાપર શહેર અને તાલુકામા કોવિડ-૧૯ના જાહેરનામાનો ભંગ કરતાં દુકાનદારો અને વાહન ચાલકો સામે કડક પગલા ભરવા જણાવ્યું હતું. તેમજ માસ્ક ન પહેરતા લોકોની સામે તેમજ સોશિયલ ડીસ્ટનશીંગનો ભંગ કરતાં લોકોને સબક શીખવાડીને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ પગલા લેવા કડક સુચના આપી હતી. તો રાપર શહેરમાં મામલતદાર પ્રજાપતિ, ચીફ ઓફિસર મૌલિક વૈંશ, પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. ગઢવી સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં માસ્ક વગર ફરતા ૧૫ લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. રાપર શહેરમાં બસ સ્ટેશન, માલી ચોક, મુખ્ય બજાર, દરીયાસ્થાન મંદિર રોડની બજાર, સલારી નાકા, ભુતિયા કોઠા સહિતના વિસ્તારમાં વેપારીઓ જ સોશિયલ ડીસ્ટનશીંગનો ભંગ કરી રહ્યા છે. અને વગર માસ્કે ધંધો રોજગાર કરી રહ્યા છે. જે કોરોનાને આમંત્રણ સમાન છે. આવા અનેક વેપારીઓ સામે તંત્ર પગલાં લે તેવી માંગ ઉઠી છે.