રાપરમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

જાણીતી પેઢીઓ હળફેટે : અનેક વેપારીના શટર ડાઉન : પોલીસે જુદી જુદી ત્રણ ટીમો બનાવીને  ત્રણ હોલસેલ વેપારીઓ પર પાડયા દરોડા : ચેતવણીની જાહેરાત લખ્યા વિનાની સિગારેટો સાથે ત્રણ વેપારીઓની અટક

રાપર : ગુટખા અને તમાકુ તેમજ બીડી- સિગારેટ પર જાહેર ચેવતણી આપતી જાહેરખબર હોવી અનિવાર્ય છે, તેમ છતાં અનેક વેપારીઓ પ્રતિબંધિત સિગારેટોનું બેફામ વેંચાણ કરતા હોય છે. તેવામાં રાપર પોલીસે પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે ત્રણ વેપારીઓને ઝડપી પાડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાપર પોલીસે ત્રણ જુદી જુદી ટીમો બનાવીને શહેરમાં વિવિધ દુકાનોમાં ચેકીંગ કર્યું હતું, જેમાં ત્રણ વેપારીઓ પર દરોડો પાડીને વિદેશી બ્રાન્ડની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. અને ત્રણ વેપારીઓની પણ અટક કરી હતી. આ અંગે રાપર પી.આઈ. એમ. એમ. જાડેજાએ આપેલી વિગતો મુજબ રાપર પોલીસની જુદી જુદી ત્રણ ટીમો બનાવીને ત્રણ વેપારી પેઢીઓ પર દરોડો પડાયો હતો, જેમાં બ્લેક બ્રાન્ડની વિદેશી સિગારેટ  પર તમાકુ સંલગ્ન ચેતવણીની જાહેરખબર ન હોતા મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસની ત્રણેય ટીમોએ ત્રણ જગ્યાઓ પર દરોડા પાડીને આરોપી શંકરલાલ નેણશી ઠક્કર, રાજેશ હરીલાલ મોરબીઆ અને રસીકલાલ કાંતિલાલ રામાણીની અટક કરી હતી. આરોપીઓના કબજામાંથી અંદાજે સવા લાખ જેટલો સિગારેટનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કરેલી કાર્યવાહી બાદ આ લખાય છે તે દરમ્યાન વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.  આ કામગીરીમાં રાપર પી.આઈ. એમ. એમ. જાડેજા, પીએસઆઈ જી. જી. જાડેજા, એએસઆઈ ધીરજભાઈની સાથેનો સ્ટાફ ત્રણ ટીમોમાં જાેડાયો હતો.