રાપરની ધરા ૩.૭ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી

શહેરથી ૮ કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ : ગત મોડી રાત્રિના ૧ઃ૧પ કલાકે અનુભવાયું કંપન

ભુજ : સિસ્મીક ઝોન-પમા આવતા કચ્છ જિલ્લામાં ફોલ્ટ લાઈટનો પુનઃ સક્રિય થઈ હોઈ વાગડથી લઈ છેવાડાના લખપત સુધી કંપનો અનુભવાઈ રહ્યા છે. વાગડ ફોલ્ટ સક્રિય બની હોઈ ઉંચી તિવ્રતાના આંચકાઓ પણ ઉપરાછાપરી નોંધાઈ રહ્યા હોઈ લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે ત્યારે ગત રાત્રિના રાપરની ધરા ૩.૭ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં આવેલ વિનાશકારી ભૂકંપને બે દાયકા વીતી ચૂક્યા હોવા છતાં હજુ ભૂગર્ભીય હલનચલન અવીરત રહી છે. ર૦ર૧ના પ્રારંભથી ભૂગર્ભીય સળવળાટ વધુ તેજ બની ગયો હોઈ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં કુલ ર૪ કંપનો અનુભવાઈ ચૂક્યા છે. જેમાંથી રીક્ટર સ્કેલ પર ૩થી વધુના તીવ્રતાના અત્યાર સુધીમાં ૩ કંપનો નોંધાઈ ચૂક્યા છે. સતત કંપનો અનુભવાઈ રહ્યા હોઈ તેનાથી પેટાળમાં રહેલી ઉર્જા બહાર નીકળતા મોટા ભૂકંપની શક્યતાઓ વૈજ્ઞાનીકો નકારી રહ્યા છે. જોકે, સતત કંપનોથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગત રાત્રે રાપર નજીક અનુભવાયેલા તીવ્ર કંપનથી અનેક વિસ્તારોમાં ધ્રુજારીની અનુભૂતિ થઈ હતી. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ રાપરથી ૮ કિ.મી. દૂર ભૂર્ગભમાં ૧પ.પ કિ.મી. ઉંડાઈએ કેન્દ્ર બિંદુ ધરાવતો રીક્ટર સ્કેલ પર ૩.૭ તીવ્રતાનો આંચકો ગત રાત્રિના ૧.૧પ કલાકે અનુભવાયો હતો તો આ પૂર્વે ગત બપોરે ભચાઉથી ૧૮ કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ ધરાતો ર.૩ તીવ્રતાનો આંચકો પણ નોંધાયો હતો.