રાપરના મેવાસા પાટિયા નજીક જીવલેણ અકસ્માતમાં ર નું મોત

ઉભેલા ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર ભટકાતા બન્યો કરૂણ બનાવ : આડેસર પોલીસ દ્વારા ઘટનાની હાથ ધરાઈ તપાસ

રાપર : તાલુકાના મેવાસા પાટિયા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર ભટકાતા કરૂણાંતિકા સર્જાઈ હતી.આડેસર પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના મેવાસા પાટિયા નજીક હાઈવે પર રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે રાજસ્થાન પાસીંગના ટ્રેલર પૈકી રોડ પર ઉભેલા કે પસાર થતા ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર ધડાકાભેર ભટકાયું હતું. જેમાં બે યુવાનો મોતને ભેટયા હતા. મળેલી વિગતો મુજબ આરટી પર જીએ ૩૩ર૩ નંબરનું ટ્રેલર મેવાસા પાટિયા નજીક રોડ પર ઉભું હશે અથવા તો પસાર થતું હશે તે દરમ્યાન પાછળથી પુરપાટ વેગે આવતું આરજે પર જીએ પ૩૧૪ ધડાકાભેર ભટકાયું હતું. બનાવમાં પાછળથી આવતા ટ્રેલમાં સવાર બે જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ મારફતે બે પૈકી એકને ભુજની જી.કે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મુળ રાજસ્થાનના જયપુરના ૩પ વર્ષિય બટ્ટી ગુર્જરને જી.કે.માં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એકને લાકડીયા સરકારી દવાખાનામાં ખસેડાયો હતો, તેનું પણ મોત નિપજયું હતું. પોલીસ દ્વારા બીજા મૃતકની ઓળખ હાથ ધરાઈ છે. હતભાગીના સગાઓનો સંપર્ક કરીને પોલીસે તેમને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.