રાપરના પલાસવા ગામે ખેતરમાં પશુઓ ચરાવી નુકસાની કરાતા ફરિયાદ

રાપર : તાલુકાના પલાંસવા ગામે સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે પશુઓ સાથે અપપ્રવેશ કરી ખેતરમાં રખાયેલ સુકો ચારો પશુઓને ખવડાવી રૂા.રપ હજારનું નુકસાન કરાતા આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સામતભાઈ મેરૂભાઈ જોગુ (રાજપૂત) (ઉ.વ. ૪૩)એ આરોપી કરશન સીંધાભાઈ ભરવાડ તેમજ જખરાભાઈ રણછોડભાઈ ભરવાડ (રહે. બન્ને પલાસવા, તા.રાપર) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના ખેતરમાં ગેરકાયદેસર રીતે પોતાના પશુઓ સાથે અપપ્રવેશ કર્યો હતો અને ખેતરમાં રખાયેલ સૂકો ચારો પશુઓને ચરાવીને રૂા.રપ હજારનું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે આડેસર પોલીસે ગુનો નોંધતા હેડકોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.