રાપરના જાટાવાડામાં યુવાનને જાતિ અપમાનિત કરી મરાયો માર

ભચાઉમાં દંપત્તિ ઉપર છ શખ્સોએ હુમલો કરી ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : વાગડ વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારીના બે બનાવો પ્રકાશમાં આવ્યા હતા, જેમાં રાપર તાલુકાના જાટાવાડામાં યુવાનને જાતિ અપમાનીત કરી માર મારવામાં આવતા બાલાસર પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. તો ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં દંપત્તિ પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરાતા છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.બાલાસર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ જાટાવાડમાં રહેતા ફરિયાદી અમરતભાઈ ગેલાભાઈ ગોહિલ (ઉ.વ.ર૧)એ આરોપી અમરા પચાણ રબારી, અજુ હરભમ રબારી, ડામા ગોપરા કોલી, ગોપરા સવા કોલી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી અમરા પચાણ રબારીના ભાઈની દુકાનેથી ફરિયાદીનો ભાઈ કોઈ ચીજ વસ્તુ લેવા ગયો હતો. જે ખરાબ નીકળતા બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીના મનદુઃખે આરોપીઓએ એકસંપ કરી લાકડી, ધોકા અને ધારીયું ધારણ કરી ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ભુંડી ગાળો આપી, જાતિ અપમાનીત કર્યો હતો. તેમજ ધકબુશટનો માર મારી ડાબા હાથમાં ધારીયું મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે બાલાસર પોલીસ મથકે એટ્રોસિટી એકટની કલમો સહિત ગુનો નોંધાતા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.તો બીજીતરફ ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા સામજી રામજી મેરિયાએ ખાનજી ગોકરભાઈ ફફલ, પ્રતિક ખાનજી ફફલ, વિકાસ ખાનજી ફફલ અને ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓેએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના આંગણામાં દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને છત ઉપર સુતેલા ફરિયાદી અને તેમની પત્નિને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, તું અમને ફોર વ્હીલર હાંકવા બાબતે કેમ બોલાચાલી કરે છે. તેવું કહીને ફરિયાદી અને તેની પત્નિને લાકડી અને પાઈપ તેમજ અન્ય હથિયારો વડે મારામારી કરવામાં આવી હતી. દંપત્તિને શરીરના ભાગે માથામાં અને પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોચી હતી. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ એન. વી. રહેવરે આગળની તપાસ હાથ ધરી છે.