રાજ્યના વહીવટી તંત્રમાં તોળાતાં ધરખમ ફેરફારો

એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતાં સનદી અધિકારીઓની બદલીના વાગતા ભણકારા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર પૂર્ણ થતા હવે રાજ્યના વહીવટી તંત્ર ને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે ઉચ્ચ સનદી અધિકારીઓ ની બઢતી અને બદલીનો દોર હાથ ધરી ને વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ વિધાનસભાના
અંદાજપત્ર સત્રના કારણે સનદી અધિકારીઓની બઢતી અને બદલીની પ્રક્રિયાઓ વિલંબમાં પડવા પામી હતી. વિધાનસભાનું અંદાજપત્ર સત્ર પૂર્ણ થતાં હવે આગામી વર્ષમાં વિકાસ કામોને વેગ આપવા તેમજ રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે ઉચ્ચ સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ બઢતીથી ભરવા માટે તેમજ એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા સનદી અધિકારીઓની બદલીઓ માટેની પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજ્યના કેટલાક મહાનગરોમાં તેમજ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપવા તેમજ કોરોના સંક્રમણ ને નિયંત્રિત કરવા માટે કેટલાક ઉચ્ચ સનદી અધિકારીઓને મહાનગરો અને જિલ્લાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સનદી અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવતા કામનું ભારણ વધવા પામ્યું છે. જેના કારણે વહીવટી કામગીરી ઉપર તેની અસર પડી રહી છે અને યોજનાકીય કામગીરી ઉપર પણ અસર પડી રહી છે. આથી રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા તેમજ કાર્યક્ષમતા વધે અને અધિકારીઓ પર ના કામનું ભારણ ઘટે તે માટે રાજ્યમાં વિવિધ સંવર્ગની ઉચ્ચ સનદી અધિકારીઓને ખાલી પડેલી જગ્યાઓ બઢતીથી ભરવા માટે તેમજ એક જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા સનદી અધિકારીઓની બદલીઓ નો દોર હાથ ધરી વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.સામાન્ય વહીવટ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કેટલાક જિલ્લાના જિલ્લા કલેકટરની બદલીઓના પણ ભણકારા વાગી રહ્યા છે.