રાજય સરકારનું લક્ષ્ય ૨૦૨૨ સુધી મેલેરીયા મુકત ગુજરાત

આ વર્ષનું સૂત્ર મેલેરીયા મુકિતના લક્ષ્ય સુધી પહોંચીએ સાર્થક કરીએ

ભુજ : છેલ્લાં કેટલાક વર્ષોથી જુદા જુદા વિભાગો, પ્રાઇવેટ પ્રેકટીશનરો, પદાધિકારીશ્રીઓ, લોક આગેવાનો. સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલન તથા લોકોની જાગ્રુતિ દ્રારા મેલેરીયા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહેલ છે અને રાષ્ટ્રીય વાહકજન્‍ય રોગનિયત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં  “મેલેરીયા મુક્ત ગુજરાત” લક્ષ્યાંક રાખેલ છે. આવો, આપણે સૌ મળીને આપણા સમાજને મેલેરીયા મુક્ત બનાવવામા આપણુ યોગદાન આપીએ “મેલેરિયા મુક્તિના લક્ષ્ય સુધી પહોચીએ.

હાલમાં જાન્યુઆરીથી જુન સુધીનો સમયગાળો સામાન્ય રીતે મેલેરીયા ટ્રાન્સમીશન માટે અનુકુળ નથી. (વર્ષાઋતુ દરમ્યાન અને ત્યાર પછી જુલાઇ થી નવેમ્બર સુધીમાં મેલેરીયા રોગનો ફેલાવો વધુ થાય છે) ટ્રાન્સમીશન સીઝન પહેલા અને ખાસ કરીને જુન માસ દરમ્યાન ઝુંબેશરૂપે લોકોમાં પેરેસાઇટ લોડને સર્વેલન્સ ન્‍યુનતમ કક્ષાએ લઇ જઇ તેમજ પોરાનાશક કામગીરી ઘનિષ્ટ બનાવી મચ્છર ઉત્પતિ સ્થાનો નાશ કરવામાં આવે તો ભવિષ્યમાં તાવ/રોગચાળાના/મેલેરીયાના ઉપદ્રવની શક્યતા નિવારી શકાય છે. જુન – ૨૦૨૧ માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હેતુ મેલેરીયાના અસરકારક નિયત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રીય ભાગીદારી મેળવવાનો છે. મેલેરીયા નાબુદીનાં ચોક્કસ ઉપાયો તજજ્ઞો તરફથી સુચવામાં આવ્યા છે, જે મુજબ મેલેરીયા કે જે સમસ્યારૂપ બનેલ છે. એ બાબતે વિશિષ્ટ આયોજન, સહકાર, સંકલન ગોઠવીને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા માસ ઉજવવાની નિયત પ્રવુતિઓનો સમાવેશ કરેલ છે. મેલેરીયાથી સ્વ બચાવના ૭ ઉપાયો અપનાવવા લોકોને અનુરોધ કરવામાં આવે છે. તમારા ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દો. તમારા ઘરની આસપાસ પાણીથી ભરાયેલ ખાડા- ખાબોચિયા માટીથી પુરાવી દો. ખાડા-ખાબોચિયામા ભરાયેલા પાણી નીક બનાવી વહેવડાવી દો અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરો. ઘરમા પાણી ભરાયેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરો. સુવા માટે જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો જ ઉપયોગ કરો. ઘરમા પાણી ભરાયેલ તમામ પાત્રો અઠવાડિયે એક વખત ખાલી કરો, અંદરથી ઘસીને સાફ કરી, તડકે સુકવી ફરીથી ભરો. સાંજના સમયથી ઘરના બારી-બારણા બંધ રાખો અથવા બારીઓમાં ઝીણી જાળી લગાડો, જેથી મચ્છર ઘરમાં પ્રવેશી ન શકે. હવે આવનાર દિવસો વર્ષાઋતુના આગમનના છે. તો પાણી પહેલા પાળ બાંધીને ચોમાસા દરમ્યાન લેવાના થતા  પગલા અને મચ્છર ઉત્પતિ ન થાય તે માટેની જાગૃતિ અને તે પહેલા અસરકારક કામગીરી લોકો સ્વયં કરી પોતાના જ ઘર તથા ઘરની આજુબાજુ આવા વરસાદી પાણી ન ભરાય તેવી કાળજી લે તે બાબતે સમજ કેવળે. તો આ વર્ષનું સુત્ર “મેલેરિયા મુક્તિના લક્ષ્ય સુધી પહોચીએ ” સાર્થક થઇ શકે તેવું જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી પી.એચ.ડુંગરાણીએ જણાવ્યું છે. હાલની COVID-19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્‍સીંગ જેવી બાબતોને ધ્યાને લેતા ઇલેક્ટ્રોનિક મિડીયા, પ્રિન્ટમીડીયા અને Social મિડીયાના માધ્યમ દ્રારા મેલેરીયા વિષયક જન જાગૃતિ કેળવવાનું આયોજન કરેલ છે.COVID-19 ના અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તથા આશા દ્રારા ઘરો ઘર સર્વેલન્સની સાથે સાથે ઇન્ટર પર્સનલ કોમ્યુનીકેશન અંતર્ગત લોકોને મેલેરીયા રોગ વિશે તથા તેનાથી કેવી રીતે બચી શકાય અને મચ્છર ઉત્પતિ અટકાવવાની પધ્ધતિઓની સમજ આપશે, જેમાં વર્તમાનપત્રો, સ્થાનિક કેબલ નેટવર્ક, આકાશવાણી જેવા માધ્યમો દ્રારા પણ લોકો સુધી મેલેરીયા વિષયક સંદેશો પહોંચાડવામા આવશે.