રાજયમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ વાવાઝોડાં અસરની સમીક્ષા બેઠક યોજાઇ

બાગાયત કેરી ખરણ અને વીજ પુરવઠો ક્ષતિ બાદ કરતાં કચ્છમાં નહિવત અસર

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ કચ્છમાં ૧૭ મે ૨૦૨૧ના રોજ આવેલ તાઉતે વાવાઝોડાંની અસરની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. તાઉતે વાવાઝોડા હેઠળ જિલ્લામાં પડેલાં વરસાદ અને ફૂંકાયેલા પવન હેઠળ થયલી અસરો બાબતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની આગેવાનીમાં જિલ્લાના સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓએ અસર પામેલી પરિસ્થિતિનો ચિતાર રજુ કર્યો હતો. કચ્છ વાવાઝોડાં પ્રભારીમંત્રી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે તાઉતે દરમ્યાન અસર પામેલ જાનમાલની વિગતોનો તાગ મેળવતાં પશુપાલન, ખેતીવાડી, બાગાયત, વીજળી, અંગે સબંધિત અધિકારીઓને પાસેથી માહિતી મેળવી અસરગ્રસ્ત થયેલ ક્ષતિઓથી વાકેફ થયા હતા તેમજ જિલ્લામાં પૂર્વવત થયેલી સ્થિતિ બાબતે વહીવટી તંત્ર અને અધિકારીશ્રીઓની કામગીરીને બિરદાવી હતી. કચ્છમાં તાઉતે ના કારણે બાગાયતમાં ૮ થી ૧૦ ટકા થયેલા કેરીખરણ નુકશાન બાબતે નાયબ બાગાયત અધિકારી વતી શ્રી કે.પી.સોજીત્રાએ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. પીજીવીસીએલના અધિક્ષકશ્રી એ.ઓ.ગુરવાએ જણાવ્યું હતું કે, કચ્છના ૧૯૦ ગામોમાં ઘર વીજળી જતાં તત્કાલ વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. ખેતીના ૩૬૬ ફીડરો, પાંચ ટ્રાન્સફોર્મરો ક્ષતિગ્રસ્ત થયા હતા. ૧૬૨ થાંભલાઓ પડી ગયેલા તેમજ અંજાર અને ભુજ સર્કલની વીજ કચેરીને પણ વાવાઝોડાંથી નુકશાન થયું હતું. હાલે વીજ કર્મીઓ બધુ પૂર્વવત કરેલ છે તેમજ અન્ય જિલ્લાઓમાં પણ વીજ પુરવઠાની કામગીરી પૂર્વવત કરવા જિલ્લાની ટીમો ફિલ્ડમાં છે. રાજયમંત્રીશ્રીએ આ તકે ચોમાસાના પૂર્વ આયોજન બાબતે પણ સબંધિતોને પૂર્વ તૈયારી માટે પૃચ્છા કરી હતી. કચ્છ જિલ્લામાં બાગાયતમાં કેરીખરણ અને વીજ પુરવઠા ક્ષતિને બાદ કરતા વાવાઝોડાંની નહિવત અસર ના પગલે કોઇ જાનમાલને નુકશાન થવા પામેલ નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દિનેશભાઇ મેણાંતે પણ વરસાદ અને પવનના પગલે ખેતીપાકને નહીંવત નુકશાન બાબતે વિગતો રજુ કરી હતી. નાયબ પશુપાલન નિયામક ડો.એચ.એમ.ઠકકરે પણ કચ્છમાં એકપણ પશુમરણ નથી તેમ વિગતો જણાવી આગામી ચોમાસામાં પશુ રસીકરણનું આયોજન છે તેમ માહિતી રજુ કરી હતી. રસીકરણની કામગીરી કરાશે. ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ મામલતદારશ્રી મનસુખ કવાડીયાએ પણ વિગતો આપી હતી. આ બેઠકમાં સર્વશ્રી કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ડિઝાસ્ટર નાયબ મામલતદારશ્રી રમેશભાઇ ઠકકર, સબંધિત કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.