રાજકોટમાં લુખ્ખાઓનો આતંકઃ એકનું માથું ફોડ્યુ, ત્રણની ધરપકડ

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મવડી રોડ પર શિવશક્તિ વાસણ ભંડાર પાસે ગત રાત્રે લુખ્ખાં તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. રાત્રિ કર્ફ્યૂ વચ્ચે લુખ્ખાઓએ આતંક મચાવતાં પોલીસને પડકાર આપ્યો હોય તેવી ચર્ચા લોકોમાં ઊઠી હતી. જોકે આ આતંકનો વીડિયો કોઈએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં ચાર શખસ વચ્ચે માથાકૂટ થાય છે અને બેફામ ગાળો બોલે છે, જેમાં એક શખસનું માથું ફૂટી ગયું હતું. પોલીસે ૩ શખસની ધરપકડ કરી છે.રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસને લુખ્ખાં તત્ત્વો પડકાર આપી રહ્યા હોય તેવો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ શખસની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ઇજાગ્રસ્ત શખસને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ત્રણેય શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર શખસો વચ્ચે અંદરોઅંદર માથાકૂટ થાય છે, જેમાં એક શખસ ઉશ્કેરાય જાય છે અને બીજા એક શખસ પર હુમલો કરે છે. જોકે આ હુમલો કરનાર શખસને બે શખસ પકડી રાખે છે ત્યારે બેફામ ગાળો આપે છે. બનાવને પગલે આસપાસનાં ઘરમાં રહેતા લોકો બહાર પણ નીકળ્યા નહોતા અને પોતાના ઘરની અગાશી પરથી બનાવનો વીડિયો બનાવ્યો હતો.