રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરનો ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, સુસાઇડ નોટ મળી

(જી.એન.એસ)રાજકોટ,રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પેરામાઉન્ટ પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર હર્ષદ નામના ૨૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પેરામાઉન્ટ પાર્ક શેરી નંબર-૩માં મકાન ભાડે રાખી હર્ષદ જગદીશભાઈ કનોજીયા નામનો ૨૫ વર્ષીય યુવાન રહેતો હતો. હર્ષદ ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવતા તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવી હતી.તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચીને હર્ષદ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારને દીકરાના આપઘાત મામલે જાણ કરતા પરિવારજનો રાજકોટ આવી પહોંચ્યા હતા.આપઘાતના બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું હતું, “હું સારો દીકરો બની શક્યો નહીં, સારૂ કમાઈ પણ ન શક્યો હોવાથી આ પગલું ભરું છું.” મૃતક હર્ષદ રાજકોટમાં તેના એક સંબંધીના પુત્ર સાથે રૂમ ભાડે રાખીને રહેતો હતો. હર્ષદ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે.