રાજકોટમાં પ્લે હાઉસના સંચાલક કેતન પટેલની ધરપકડ

(જી.એન.એસ.)રાજકોટ,ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં લિટલ લોડ્‌ર્સ નામનું પ્લે હાઉસ ચાલુ રાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. આ પ્લે હાઉસમાં નાના નાના ૨૫ બાળકોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં કોરોનાની ગાઇડલાઇન્સનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. હાલ સોશિયલ મીડિયામાં આ પ્લે હાઉસમાં બાળકોને સાથે બેસાડ્યાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતન પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લિટલ લોર્ડસ પ્લે હાઉસની આસપાસ અવરજવર દેખાતી હતી. જેથી પોલીસે અંદર જઇને તપાસ કરતા આ આખો મામલો સામે આવ્યો હતો. સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવતા પ્લે હાઉસનાં સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સંચાલકનું નામ કેતનભાઇ પટેલ છે. તે લોર્ડ વિલ્લા મકાન ૧, તપોવન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટમાં રહે છે.જોકે, આ મામલામાં જેટલી બેદરકારી સંચાલક અને પ્લે હાઉસની છે તેટલી જ બેદરકારી બાળકોના માતાપિતાની પણ છે. હાલ જ્યારે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યારે નાના બાળકોનો જીવ જોખમમાં કેમ મૂકવામાં આવે છે. એક જ રૂમમાં ૨૫ બાળકો અને ત્રણ શિક્ષિકાઓ દેખાઇ રહ્યા હતા. જેમાંથી કોઇએ પણ માસ્ક પહેર્યું નથી કે નથી કોઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું.