રાજકોટમાં પાટા પર રમી રહેલા બે બાળકો ટ્રેનની હેડફેટે આવી જતાં મોતને ભેટ્યાC

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાંથી આજે અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પાટા પર રમી રહેલાં બાળકોને રમત રમતમાં મોત મળી ગયું હતું. પાટા પર રમતાં બાળકોને સપને પણ ખ્યાલ ન હોય કે તેઓને આવી રીતે મોત મળશે. આ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે બાળકોએ ટ્રેન આવતાં ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પણ તેઓ ભાગી શક્યા ન હતા.રાજકોટના ભાદર નદીના પુલ પરની આ ઘટના છે. જ્યાં બાળકો ટ્રેનના પાટા પર રમી રહ્યા હતા. પણ અચાનક પાટા પર રાજકોટથી સોમનાથ જતી ટ્રેન આવી ગઈ હતી. ટ્રેનની વ્હીસલનો અવાજ સાંભળીને બાળકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અને તેઓ ટ્રેનથી બચવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. પણ નદીના પુલ પર હોવાથી તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો.અને અંતે બે બાળકોનાં ટ્રેનની હટફેટે મોત નિપજ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળાં દોડી આવ્યા હતા. અને બાળકોના પરિવારોએ હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. અને આવા દર્દનાક મોતને લઈને લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી. જો કે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.