રાજકોટમાં નર્સિંગ સ્ટાફે માંગણીઓને લઇ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો

સિવિલ હોસ્પિટલમાં જાણે કે હડતાલની મૌસમ ખીલી હોય તેવી રીતે તબીબી શિક્ષકોની હડતાલનો અંત આવ્યો છે ત્યાં હવે નર્સિંગ સ્ટાફમાં વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. રાત-દિવસ જોયા વગર કોવિડની સારવાર કરી રહેલા નર્સિંગ સ્ટાફની માંગણી છેલ્લા ઘણા સમયથી પડતર જ રહી હોવાથી અંતે આંદોલનનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આંદોલનના ભાગરૂપે આજે સિવિલનો તમામ સ્ટાફ કાળાં કપડાં પહેરીને ફરજ બજાવીને વિરોધ દર્શાવ્યો હતો. અને જો માંગણી નહીં સંતોષાય તો મંગળવારે એક દિવસની હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.આ અંગે યુનાઈટેડ નર્સિંગ ફોરમના હોદ્દેદારોએ જણાવ્યું કે,રાજ્યમાં કોવિડ સારવારમાં વ્યસ્ત નર્સિંસની કોઈ જ સમસ્યાઓનું નિરાકરણ ન આવવાને પરિણામે રાજ્યના નર્સિંસ દ્વારા નાછૂટકે આંદોલનનું શસ્ત્ર ઉઠાવવાની ફરજ પડી રહી છે. આ અંતર્ગત તા.૧૨થી શરૂ કરેલ વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો રૂપે ચાલું રાખવામાં આવશે.આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ આવશે અને જો મંગળવાર સુધીમાં તેમની માંગણીનો યોગ્ય ઉકેલ નહીં આવે તો એક દિવસની હડતાલ પાડવામાં આવશે.આજે સવારે ૮ વાગ્યે તમામ નર્સે સમૂહ પ્રાર્થના કર્યા બાદ કાળા કપડાં પહેરીને દેખાવો કર્યા હતા. તા.૧૬ને રવિવારે સાંજે ૭ઃ૩૦ કલાકે મીણબત્તી પ્રગટાવી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.અને સોમવારે સવારે ૮ વાગ્યે થાળી-ઘંટડી વગાડીને સરકારને ઢંઢોળવામાં આવશે.