રાજકોટમાં ધોળા દિવસે મહિલા સાથે ચેઇન સ્નેચિંગઃ ઘટના સીસીટીવીમાં કેદ

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વહેલી સવારે ચેઇન સ્નેચિંગની ઘટના બનતા મહિલાએ મદદ માટે બુમો પાડી હતી. જોકે, મદદ માટે આસપાસ કોઇ નહતું. મહિલાનો અવાજ સાંભળી બે શ્વાન મદદ માટે તેની પાસે દોડી ગયા હતા. આ જોઇને એક વાત કહી શકાય કે માણસ કૂતરો થઇ રહ્યો છે અને કૂતરો માણસાઇ બતાવી રહ્યો છે.રાજકોટમાં વહેલી સવારે મહિલા એકલી જઇ રહી હતી. જેનો ફાયદો ઉઠાવતા ચેઇન સ્નેચર એક્ટિવા પર આવ્યો હતો અને મહિલાને એકલી જોઇ તેની સોનાની ચેઇન ખેચવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા સાથે ચેઇન સ્નેચિંગ થતા મહિલાએ બુમાબુમ કરી હતી. જોકે, ઘરમાંથી કોઇ બહાર આવ્યુ નહતું. મહિલાનો અવાજ સાંભળી બે શ્વાન તરત જ દોડીને મહિલા પાસે પહોચી ગયા હતા અને ચેઇન સ્નેચરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેઇન સ્નેચર મહિલાની ચેઇન તોડીને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાની ફરિયાદ નોંધી ચેઇન સ્નેચરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.