રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)રાજકોટ,દેશમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે. એવામાં ગુજરાતમાં પણ કોરોનાના કારણે આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. ત્યારે રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર ડો. પ્રદીપ ડવને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ પોતાના ઘરે જ હોમ આયસોલેટ થયા છે. તેમની બે દિવસથી તબિયત સારી ના હોવાથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તે પોઝિટિવ આવતા તેઓ પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં પણ દિવસેને દિવસે ૫૦૦થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને શહેરમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટમાં દૈનિક ૫૦૦થી વધુ કોરોના પોઝિટિવ ટેસ્ટ નોંધાઈ રહ્યા છે તેમજ ૫૦થી વધુ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મોત પણ નીપજી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાયેલી જોવા મળી રહી છે. જ્યારે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.શહેરમાં જાણે આરોગ્યની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મોત બાદ રાજકોટ કોર્પોરેશનમાં પણ મરણના દાખલા કઢાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આગામી ૫ તારીખ સુધી રાજ્યના ૨૯ નાના-મોટા શહેરમાં મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.