રસી એ જ આપણું સુરક્ષા કવચ એ યાદ રાખીએ અને રસીકરણ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીયે: ડૉ. ધીરજ કાકડીયા

હકારાત્મક અભિગમથી હારશે કોરોના, જાણકારી અને જાગૃતતાથી જીતીશું જંગ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા યોજાયો વેબીનાર

કોરોના સામેની લડાઇને જીતવા સૌથી અસરકારક કોઈ હથિયાર હોય તો તે રસી છે. રસી એ જ આપણા સૌનું સુરક્ષાકવચ છે તે યાદ રાખીએ. રસીકરણ વિશે સાંપ્રત સમયમાં જે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તેને દૂર કરવી ખૂબ જરૂરી છે. ખુદ રસી લઈએ અને બીજા લોકોને પણ રસી મુકાવવા માટે પ્રેરિત કરીએ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા તેમજ આરઓબી અને પીઆઇબી ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડીયાએ વેબીનારમાં સંબોધન કરતા આ વાત જણાવી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય સુરત તેમજ ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય ભુજ દ્વારા કોરોના મહામારીથી બચવાના ઉપાયો, કોરોના સામેની લડાઇને જીતવા માટે આપણા સૌની પહેલ અને રસીકરણ આ વિષયને લઈને એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડૉ. ધીરજ કાકડીયા, કચ્છ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નર, નવસારીના એપેડમીક અધિકારી ડૉ. મેહુલ ડેલીવાલ તેમજ સુરતના મેડિકલ ઓફિસર ડૉ.મનીષકુમાર વક્તા વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમયસર ટેસ્ટિંગ અને યોગ્ય સારવાર થકી આપણે કોરોનાને ચોક્કસથી હરાવી શકીએ છીએ તેવું જણાવતા કચ્છ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમારે કોરોના મહામારીથી બચવાના ઉપાયો જણાવ્યા હતા. કોરોના વિશેની સોશિયલ મીડિયામાં ફરતી ખોટી માહિતી કે અફવાઓ પર ધ્યાન ન આપી આરોગ્ય અધિકારી તેમજ સરકારી તંત્ર દ્વારા અપાતી માહિતીનો ઉપયોગ કરી યોગ્ય સારવાર દ્વારા કોરોનાથી ચોક્કસ બચી શકાય છે તેવું તેમણે જણાવ્યું હતું.
સાચી માહિતીનો અભાવ અને ગેરસમજને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ ફેલાયુ હોવાનું જણાવી નવસારીના એપેડમિક અધિકારી ડૉ. મેહુલ ડેલીવાલે ગ્રામીણ લોકોને વધુ ને વધુ જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો. કોરોના પ્રોટોકોલ જાળવવા એ આપણા સૌની ફરજ હોવાનું જણાવી સુરતના મેડિકલ ઓફિસર ડો.મનીષકુમારે સાવચેતી અને રસીકરણને કોરોના મહામારી થી બચવાના શ્રેષ્ઠ ઉપાય જણાવ્યા હતા. વેબીનારમાં નહેરુ યુવા કેન્દ્રના ગુજરાત પ્રદેશના ડિરેક્ટર મનિષાબેન તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણી અને ગુજરાતભરમાંથી વિભિન્ન ક્ષેત્રના લોકો જોડાયા હતા. સમગ્ર વેબીનારનું સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો,ભુજના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ ફિલ્ડ આઉટરિચ બ્યુરો, સુરતના અધિકારી કે. આર. મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું.