રસીકરણની અપીલો વચ્ચે કચ્છના યુવાનોને સતાવતો પ્રશ્ન ‘મને કયારે રસી મળશે’

જિલ્લામાં ૧૮થી ૪પ વયની વયજુથમાં ૧૦ લાખ જેટલા લોકોનો થાય છે સમાવેશ : રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ પણ દરરોજ સાંજે ૬ વાગ્યે બહાર પડતા સ્લોટમાં નથી થતું બુકિંગ : લોકોના ધસારા વચ્ચે માત્ર એક જ સેશન હોવાથી વારો ન આવતા યુવાઓને વિવશ બનવાનો આવે છે વારો

ભુજ : એકતરફ રાજકારણીઓથી માંડી સરકારી અધિકારીઓ એક અપીલ કરે છે કે, રસી મુકાવો પણ વાસ્તવિકતાએ છે કે રસી મળતી જ નથી. લોકો રસી લેવા તૈયાર છે, પરંતુ સરકારી દવાખાનામાં સ્લોટ બુક થઈ ગયા, આજે જથ્થો નથી જેવા નીત નવા બહાનાઓના કારણે દરરોજ રસી લેવાની ઝંખના કરતા યુવાનોને હતાશ થવાનો વારો આવે છે. એકસમય એવો હતો કે સરકાર રસી લેવા માટે બૂમો પાડી પાડીને થાકી ગઈ તોય લોકો આગળ ન આવ્યા આજે લોકો આગળ આવ્યા તો સરકાર રસી પહોંચાડવામાં પાણીમાં બેસી ગઈ છે.
જિલ્લામાં ૧૮થી ૪પ વયની વયજુથમાં ૧૦ લાખ જેટલા લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકોએ રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રસી લેવા માટે દરરોજ સાંજે ૬ વાગ્યે જિલ્લા પંચાયત દ્વારા તાલુકા વાઈઝ સેશન બનાવી ૧૦૦ લાભાર્થીઓના નામ રજિસ્ટર કરવામાં આવે છે. પ્રથમ ૧૦૦ લાભાર્થી બુક થયા બાદ બીજા લોકોનો નંબર આવતો નથી. છ વાગ્યે સેશન ક્રિયેટ થાય તેની બે – પાંચ મિનિટમાં સ્લોટ ફુલ થઈ જાય છે. પરિણામે લોકો રસીથી વંચીત રહે છે. ભુજમાં શુક્રવાર સુધી ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન રાખી દેતા શુક્રવાર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે. આવામાં લોકો રસી કેવી રીતે મુકાવે તે પ્રશ્ન વિકટ બન્યો છે.રાજ્ય સરકારે યુવાઓમાં વેક્સિન લેવા માટેની હોંશને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનનો પ્રારંભ તો કર્યો છે, પરંતુ તેમાં વેક્સિનની અછતના કારણે દરરોજ મોટી સંખ્યામાં યુવક – યુવતિઓ હેરાન થઈ રહ્યા છે. મોટાભાગના તાલુકામાં સ્થાનિકો વંચિત રહે અને અન્ય તાલુકાના લોકો સેશનમાં નામ નોંધાવી રસી લઈ જાય છે. ઉદાહરણ તરીકે ભુજનો યુવાન રસી લેવા ઈચ્છતો હોય પણ બે મિનિટમાં સેશન બુક થઈ જતાં અબડાસા કે લખપતમાં પોતાનું નામ બુક કરાવી નાખે છે. જયાં કન્ફર્મેશન મળતાં અબડાસા કે લખપતમાં જઈ રસી લઈ આવે છે. આવી સ્થિતિ દરેક તાલુકામાં છે. જેના કારણે આજે ૧૧ દિવસ બાદ પણ ૧૮+ના વેક્સિનેશનની ગાડી પાટા પર ચડી નથી. તેમાં તંત્ર દ્વારા વારંવાર રણનીતિ બદલાઈ રહી હોવાથી યુવાનોમાં આક્રોશ ફેલાયો છે. તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં ૧૮+ એડવાન્સ ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી કરાઈ પણ દરરોજ દરેક તાલુકામાં ૧૦૦ લાભાર્થીને રસી અપાતી હોવાથી આ પ્રશ્નો સર્જાય છે.આમ તો ૧મેથી વેક્સિનેશન ફોર ઓલ થઈ જવાથી કચ્છવાસીઓમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. ખાસ તો યુવાવર્ગમાં વેક્સિન લેવા માટે ભારે પડાપડી થઈ રહી છે. જો આમને આમ ચાલતું રહેશે તો ત્રણ વર્ષે કચ્છના યુવાનો વેક્સિન લઈ શકશે. હજુ તો પહેલા ડોઝના ઠેકાણે નથી તો બીજા ડોઝની રસી કયારે મળશે. સરકારના અતિરેક વચ્ચે રસીના અભાવે લોકો હાલાકીમાં મુકાયા છે. ખરેખર તો પોલિયોની જેમ શેરીએ શેરીએ વેક્સિનેશન શરૂ થાય તો જ લોકોને રસીનો લાભ મળે પણ આવુ આયોજન કરવા પાછળ રસી જોઈએ જે જિલ્લામાં છે નહીં. દર બે -ત્રણ દિવસે ૧૦થી ૧પ હજાર ડોઝ આવે છે. જેમાં હજાર લાભાર્થી ૧૮+ અને ૪પ+ના ચારથી પાંચ હજાર એવરેજ લાભાર્થી હોય છે. બીજીતરફ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ખુટી જતાં ૧૮+માં પહેલી વખત કોવેક્સિન અપાઈ રહી છે. જયારે ૪પથી વધુ વયના લોકોને રાબેત મુજબ કોવિશિલ્ડ અપાય છે. અપુરતા જથ્થાના કારણે ૧૮ પ્લસમાં નવો વિકલ્પ અજમાવાયો છે. જો કે જેમણે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો છે. તે યુવાનો બીજા ડોઝ માટે ૪પથી વધુ વય જુથની સાથે જોડાવું પડશે.