રશિયામાં સ્કૂલ પર હુમલોઃ ૧૩નાં મોત, ૧૨ ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ ૨ આરોપીને ઠાર માર્યા

(જી.એન.એસ)મોસ્કો,રશિયાના કાઝાન શહેરમાં કેટલાક અજ્ઞાત લોકોએ મંગળવારનાં રોજ એક શાળામાં પ્રવેશીને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યારસુધી આ હુમલામાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ૮ બાળકો અને ૧ શિક્ષક હોવાની માહિતી પણ મળી રહી છે. ઈમર્જન્સી સર્વિસના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, હુમલો થયો ત્યારે ૨ બાળકોએ શાળાના ત્રીજા માળની બારીમાંથી કૂદકો માર્યો હતો. આટલી ઊંચાઈથી કૂદકો મારવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.રશિયાની એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે શાળાના ચોથા માળ પર એક આરોપીએ કેટલાક લોકોને કેદ કરી રાખ્યા છે. ૧૨ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શાળાની અંદર એક વિસ્ફોટ થયો હતો. ત્યાર પછી હુમલાની જાણ થતાં સુરક્ષાદળ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે ૨ આરોપીને ઠાર માર્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં મૃત્યુ પામેલા આરોપીઓમાંથી એકની ઉંમર ૧૯ વર્ષની હતી, જેની પાસે લાઈસન્સવાળી બંદૂક હતી. પોલીસે આ હુમલામાં શંકાસ્પદ જણાતાં એક ૧૭ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી છે. શાળાના બિલ્ડિંગને નુકસાન પહોંચાડી રહ્યા હોય એવો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.