મ્યુકોરમાઈકોસીસની ઝપેટમાં કચ્છઃ આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં તંત્રનો ઢાંકપીછોડો

કોરોનાના કેસો અને વેક્સિનેશનની દરરોજ માહિતી આપતું તંત્ર મ્યુકોરમાઈકોસીસથી સંક્રમિત દર્દીઓની વિગતો જારી કરવામાં કેમ પાછીપાની કરે છે ? : કોરોના કરતા વધુ ખતરનાક અને ખર્ચાળ ફંગસની આ બિમારી વિશે જાગૃતિ ફેલાવવામાં પણ વહીવટી તંત્રના આંખે અંધારા

ભુજ : કોરોનાની બીજી લહેરમાંથી લોકો બહાર આવ્યા નથી, તેવામાં મહામારી મ્યુકોરમાઈકોસીસે અડીંગો જમાવી લેતા લોકોમાં છૂપો ફફડાટ વ્યાપી ગયો છે, પણ વ્યવસ્થાઓની પુર્તતા કરવામાં તંત્ર હજુ હાંસિયામાં હોય તેવો તાલ સર્જાયો છે. જાગૃતિ તો ઠીક પણ દરરોજ નોંધાતા કેસોની વિગતો પણ લોકો સુધી ન પહોંચાડી ઢાંકપીછોડો કરાઈ રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ કોરોના મહામારીમાં શરૂઆતના સમયે તંત્રએ બિમારીને હળવાશમાં લેતા અંતિમ ઘડીએ દોડવાનો અને લોકોને રઝળપાટ કરવાનો આવ્યો હતો. આ બિમારીમાં પણ એવી જ હાલત છે. શરૂઆતના સ્ટેજ પર તેને ડામવાના બદલે તંત્ર હજુ આ બિમારીને વિસ્તારવા માંગતું હોય તેમ હજુ સુધી કચ્છમાં કોઈ નક્કર વ્યવસ્થા કરાઈ નથી. સારવારના નામે જી.કે.માં માત્ર વોર્ડ ઉભો કરાયો છે, પણ આ બિમારીમાં શરીરમાં ફંગસ થતું હોવાથી તેને અટકાવવા જરૂરી ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવા કોઈ કામગીરી થઈ નથી. હેલ્પલાઈન નંબર શરૂ થયા નથી. બિમારીની સારવાર કેવી રીતે લેવી તેની અસમંજસતા અને લોકોમાં ફેલાયેલી ભ્રામક માહિતીઓ વચ્ચે તંત્ર દ્વારા દરરોજ નોંધાતા મ્યુકોરમાઈકોસીસના કેસોની વિગતો પણ અપાતી નથી.  હવે ખરો સમય આવી ગયો છે. તંત્રએ બ્લેક ફંગસની આ બિમારીમાં પારદર્શક વહીવટ કરી દરરોજના કેસો જાહેર  કરવા જાેઈએ. ગુજરાત સરકારે તો આ બિમારીને મહામારી જાહેર કરી દીધી છે. પણ કચ્છનું તંત્ર હજુ કોરોનામાંથી બહાર નથી આવ્યું જેથી રોજ કોરોનાના કેસો અને વેક્સિનના આંકડા અપાય છે, પણ સમયનો તકાજાે એ છે કે, મ્યુકોરમાઈકોસીસથી સંક્રમીત દર્દીઓની વિગતો પણ આપવી જાેઈએ. કચ્છીજનોમાં આ બિમારીથી ડર ફેલાયેલો છે. પણ હજુ સુધી જાગૃતિ પણ ફેલાવાઈ નથી. દરરોજ નોંધાતા કેસો અને ડિસ્ચાર્જની વિગતો તંત્ર જારી કરે તેવી માંગણી ઉઠવા પામી છે. નોંધનીય છે કે, ઈન્જેક્શનના અભાવે ચોબારીના બે દર્દીના મોત પણ થઈ ચુકયા છે.