મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શન માટે કચ્છનું તંત્ર જારી કરે હેલ્પલાઈન નંબર

રેમડેસિવીર ઈન્જેક્શનમાં લોકોની હાલાકી ઘટાડવા તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ હેલ્પલાઈન સેન્ટર કરાયા હતા શરૂ : કોરોના કરતા ગંભીર ગણાતી મ્યુકરમાઈકોસીસ મહામારીમાં તંત્ર વેળાસર વ્યવસ્થા ગોઠવે : જિલ્લામાં દાખલ દર્દીઓને ઈન્જેકશન ન મળતા હોવાની ફરિયાદો વચ્ચે લોકોમાં જાગૃતિનો પણ અભાવ

ભુજ : કોરોના મહામારીમાંથી હજી આપણે બહાર આવ્યા નથી ત્યાં મ્યુકરમાઈકોસીસ મહામારીએ માથું ઉંચકતા ભોગગ્રસ્તો પરેશાન છે. કોવિડ પોઝિટીવ દર્દીઓને રિકવરી બાદ ફંગસ ઈન્ફેકશન લાગવાથી આ બિમારીનો શિકાર બને છે. જે દર્દીઓ હોસ્પિટલમાં લાંબો સમય ઓક્સિજન પર રહ્યા છે અને ડાયાબિટીસ ધરાવે છે તેવા દર્દીઓને બિમારીનો ચેપ લાગવાની શકયતા વધુ રહે છે. જિલ્લામાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામે ઈન્જેક્શન મળતા નથી. આવા સમયે તંત્ર દ્વારા દર્દીઓની રઝળપાટ ઓછી કરવા હેલ્પલાઈન નંબર શરૂ કરવા જાેઈએ તેવી માંગ ઉઠી રહી છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં રાહત બાદ મ્યુકર માયકોસિસ મહામારી દિન પ્રતિદિન આગળ વધી રહી છે. જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં હાલ સરકારી ચોપડે ૧૧ અને ખાનગી હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જાે કે, સારવાર લેતા દર્દીઓને ઈન્જેક્શન મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ મહામારીમાં આંખે દેખાવાનું ઓછું થાય છે અથવા નાક, જડબાના ભાગે ફંગસ થાય છે જેનો ફેલાવો અટકાવવા બાયોપ્સી કરવી પડે. બાયોપ્સી બાદ શરીરમાં ફુગનો ફેલાવો વધુ ન થાય તે માટે લીપોસોમોલ એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શનના ડોઝ ૧પ થી ર૦ દિવસ સુધી લેવા પડે છે, જેની કિંમત ગણી ઉંચી હોય છે. દર્દીઓને રઝળપાટ ન કરવી પડે તે માટે કચ્છના પૂર્વ કલેકટર અને હાલમાં રાજકોટના કલેકટર રેમ્યા મોહને રાજકોટમાં હેલ્પલાઈન નંબર જારી કરી જે દર્દીઓને ઈન્જેકશન જાેઈતા હોય તેઓને સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. જાે કે કચ્છનું તંત્ર આ બિમારીથી હજુ પણ ઘણુ અજાણ હોય તેમ કેસો વધે તેની રાહ જાેઈ રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે. હજુ સુધી સારવાર કે દર્દીઓની અવ્યવસ્થા ટાળવા કોઈ નક્કર કદમ ઉઠાવાયો નથી. આવા સમયે રેમડેસિવીરની જેમ મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શન સરળતાથી મળે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવા જાેઈએ. સાથે જી.કે.માં જ ઈન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.