મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે જનરલ ઓબ્ઝર્વર હરપ્રિતસિંઘ કોરોના સંક્રમિત

(જી.એન.એસ.)ગાંધીનગર,સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ૨૦૨૦ના પ્રારંભિક દિવસોમાં કોરોનાનો જે રીતનો કહેર જોવા મળી રહ્યો હતો તે જ પરિસ્થિતિ જાણે ફરીથી જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ચૂંટણી નિર્વિઘ્ને પતી ગયા બાદ જાણે કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો ફરી જોવા મળી રહ્યા છે. જેના કારણે વિવિધ ક્ષેત્રો પર પ્રભાવ પડી રહ્યા છે.ત્યારે પેટાચૂંટણી પર પણ ગ્રહણ લાગી ગયું છે.મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી ૧૭ એપ્રિલના મતદાન યોજાશે. ત્યારે કોરોનાનો વિસ્ફોટ થતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી છે,સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર હરપ્રિતસિંઘનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.હાલમાં તેઓને સર્કિટ હાઉસમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.જેના કારણે જનરલ ઓબ્ઝર્વર હરપ્રિતસિંઘ ચૂંટણી કામગીરી નહિં કરી શકે.