મોરબીમાં કોલસાના ધંધાર્થી પાસે પઠાણી ઉઘરાણી કરનારા ગાંધીધામના બે વ્યાજખોરોની ધરપકડ

મોરબી :  કચ્છના પડોશી મોરબી શહેરમાં કોલસાના ધંધાર્થીને વ્યાજે ઉછીના રૂપીયા આપી પઠાણી ઉઘરાણી કરનારા ગાંધીધામના બે વ્યાજખોરની પોલીસે મોરબી પોલીસે ધરપકડ કરી છે.  આ અંગેની વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર રહેતા અને કોલસાનો વેપાર કરતા યુવાને ધંધાની જરૂરિયાત માટે વર્ષ ૨૦૧૭ અને ૧૮ દરમિયાન વ્યાજે રૂપિયા લીધા હતા અને તે યુવાને વ્યાજ સહિત રકમ વ્યાજખોરને આપી દીધી હતી તો પણ વ્યાજનું વ્યાજ ચડાવીને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને ફોન ઉપર તેમજ ઘરે રૂબરૂ જઇને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવતી હતી જેથી યુવાને ગત ફેબ્રુઆરી મહિનામાં મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કોલસાનો વેપાર કરતાં મગનભાઇ રામભાઇ સોંઢીયા (આહિર)એ ભરતભાઇ સામતભાઇ સોઢીયા પાસેથી ૨૦૧૭ માં રૂપીયા પંદર લાખ માસીક પાંચ ટકાના વ્યાજ દરથી લીધા હતા તેવી જ રીતે મગનભાઇ સામતભાઇ સોંઢીયા પાસેથી રૂપીયા પચીસ લાખ માસીક સાત ટકાના વ્યાજ દરથી લીધા હતા અને ગાંધીધામના કરણદાન ગઢવી પાસેથી ૨૦૧૭-૧૮ ના વર્ષમાં કટકે કટકે રૂપીયા ર૦ લાખ માસીક દસ ટકાના વ્યાજ દરથી લીધા હતા તો ગાંધીધામના મનિષભાઇ જગદીશભાઇ પાસેથી રૂપીયા ૧પ લાખ માસીક પંદર ટકા વ્યાજ દરથી અને ગાંધીધામના કિશનભાઇ રામાણી પાસેથી રૂપીયા ૮ લાખ માસીક પાંચ ટકાના વ્યાજ દરથી લીધા હતા અને ફરિયાદી યુવાને વ્યાજ તથા મુદ્દલની રકમ ચુકવી આપી હતી તો પણ વ્યાજનું વ્યાજ ચડાવીને ફરિયાદી યુવાન પાસેથી વ્યાજની રકમ બળજબરીથી કઢાવવા પ્રયાસ કરતા હતા. આ બનાવમાં પોલીસે મોરબીના મગનભાઇ સામતભાઇ સોંઢીયા, ગાંધીધામના ભારતનગર જનતા કોલોની રહેતા કિશન કિશોરભાઈ રામાણી અને કરણદાન મૂળકરણદાન ચારણ (ગઢવી)ની ધરપકડ થઈ છે, જ્યારે મનિષભાઇ જગદીશભાઇ નામના શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.