મોંઘુ ડીઝલ અને કડક નિયંત્રણોથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ અને પરિવહન ઉદ્યોગ બેહાલ

મહિને ૨૨-૨૪ ને બદલે માંડ ૧૪ દિવસ ટ્રાન્સપોર્ટ વાહન ‘ઓન-રોડ’ : ડીઝલનો ધરખમ આર્થિક બોજ છતા માંડ ૩૦-૪૦ ટકા પરિવહનને કારણે ટ્રાન્સપોર્ટરો ભાડા પણ વધારી શકતા નથીઃ ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ અને પબ્લીક ટ્રાન્સપોર્ટના વ્યવસાયોની જીવન નૈયા હાલક ડોલક

અમુક ટ્રક માલિકો ડીઝલ મોંઘુ થતા બેઝઓઈલ તરફ વળ્યા હતા, પણ બેઝઓઈલમાં મોટા પ્રમાણમાં મીક્સિંગ આવતા અને જીએસટીની એન્ટ્રી પણ ભવિષ્યમાં નડશે તે ગૂંચના કારણે ડીઝલ વાપરવું કે બેઝઓઈલ તેની મૂૂંઝવણ

ભુજ : કોરાનાકાળમાં ટ્રાન્સપોર્ટ અને પરિવહન ઉદ્યોગના વેપાર ધંધા સાવ ભાંગી ગયા જેવી હાલત વચ્ચે ડીઝલના ભાવ વધારાનો ડામ લાગી રહ્યો હોવાથી ટ્રાન્સપોર્ટરો અને પરિવહન ઉદ્યોગના સંચાલકોની હાલત ન કોઈને કહેવાય અને ન સહેવાય તેવી થઈ છે. કોરોનાના કારણે આંતર રાજ્યોની બોર્ડરો પર લોકડાઉનના નિયંત્રણોના કારણે લોકોનું ધસારો ઘટી જતા ટ્રાન્સપોર્ટની માંગ ઘટી ગઈ છે. મરણપથારીએ ચાલતા ઉદ્યોગમાં જીવાદોરીને ટકાવી રાખવા ભાડા પણ વધારી શકાતા નથી.

આ અંગેની વિગતો મુજબ કચ્છમાં ખેતી અને પશુપાલન બાદ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મોખરે આવે છે. જિલ્લામાં અંદાજે ૧૦ હજારથી વધુ ટ્રકો આવેલી છે. લખપત સહિતના વિસ્તારમાં ખાણ, અબડાસામાં સિમેન્ટ ઉદ્યોગ, ગાંધીધામ સંકુલમાં પેટ્રોલીયમની ફેકટરીઓ, મુંદરા – કંડલામાં પોર્ટ, ભચાઉ-અંજારમાં હજારો નાની મોટી કંપનીઓ આવેલી હોવાથી કાચા માલના પરિવહન માટે ટ્રાન્સપોર્ટની માંગ રહેતી હોય છે પરંતુ છેલ્લા એકાદ મહિનાથી ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને તેનો ઉદ્યોગ પર પ્રચંડ આર્થિક બોજ પડયો હોવા છતાં ભાડાવધારો શકય બનતો નથી. કારણ કે પરિવહન માટે ટ્રાન્સપોર્ટ વાહનોની ડીમાંડ સામે સપ્લાય અનેકગણી વધુ છે. વાહનોનો માલ પરિવહન માટે નિકળતો હોય ત્યાં ૧૬ વાહનો ઉપલબ્ધ હોય ત્યારે ભાડા કયાંથી વધી શકે? ખાસ કરીને માલીકીનો ટ્રક ધરાવતા અને પોતે જ ચલાવતા હોય તેવા નાના ટ્રાન્સપોર્ટર માટે ગુજરાન-જીવન નિર્વાહ ચલાવવા ટ્રક ચલાવવાનું જરૂરી હોય છે. આ સંજાેગોમાં મોટા ટ્રાન્સપોર્ટરો પણ ભાડા વધારી શકવા સક્ષમ નથી. બેકારીના કારણે હાલ ટ્રાન્સપોર્ટરો એવું માને છે કે, ઘરે બેસવા કરતા ટ્રક ચાલે છે તો થોડી ઘણી મદદ તો મળી રહેશે. જેના કારણે ન નફા ન ખોટના ધોરણે ધંધો ટકી રહ્યો છે. એકાદ અઠવાડીયાથી કોરોનાના સંક્રમણમાં રાહતને પગલે નિયંત્રણોમાં આંશીક છુટછાટો મળી છે પરંતુ અન્ય અનેક રાજયોમાં લોકડાઉન-નિયંત્રણો ચાલુ હોવાથી વેપાર ધંધા પાટે ચડી શકયા નથી. એટલે દેખીતી રીતે જ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પૂર્વ ધમધમાટ આવી શકે તેમ નથી. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી નોર્મલ સ્થિતિ કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં માંડ ૩૦-૪૦ ટકા જ કામકાજ છે. મોટા ટ્રાન્સપોર્ટરોના અમુક ટ્રક જ ચાલે છે. કેટલાંક ટ્રાન્સપોર્ટરોએ તો ખર્ચ પણ નીકળતો ન હોવાથી કામચલાઉ ધોરણે ધંધો જ સંકેલી લીધો છે.

તો બીજીતરફ ટ્રાન્સપોર્ટરોની જેમ ખાનગી ટ્રાવેલર્સોની હાલત પણ ખરાબ છે. ડીઝલના સતત ભાવ વધારાનો આર્થિક બોજ પડી જ રહ્યો છે. સામે કોરોના નિયમો અમલી છે જે અંતર્ગત પૂર્ણ ક્ષમતાએ મુસાફરો બેસાડી શકાતા નથી. મુસાફરી ટ્રાફીક પણ ઘણો ઓછો છે. એટલે પૂર્ણ ક્ષમતાની છૂટ મળે તો પણ પર્યાપ્ત મુસાફરો મળે તેમ નથી. છેલ્લા ૧૪ દિવસમાં જ ડીઝલમાં અંદાજીત સાડા ત્રણ રૂપિયા વધી ગયા છે. ખાનગી ટ્રાવેર્લ્સો તો ઠીક, એસટીને પણ મોટો બોજ પડી રહ્યો છે. તે બોજ તો સરકાર વહન કરી શકે પરંતુ ખાનગી ટ્રાવેર્લ્સોની હાલત વધુ નબળી પડી રહી છે. કચ્છમાં ભુજ, ગાંધીધામ, ભચાઉ, મુંદરા, માંડવી, નલિયા, માતાનામઢ, નખત્રાણા, ખાવડા સહિતના પટ્ટામાં આંતર જિલ્લા મીની બસો, તુફાન, જીપ, ટેકસી દોડી રહી છે, પરંતુ કોરોનાના કારણે લોકોએ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ઘટાડી દીધું છે. પરિણામે પેસેન્જર મળતા નથી. તેવામાં ખાલી બસો કેમ દોડાવવી ? એક તરફ ડીઝલમાં ભાવવધવાથી વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ટીકીટના ભાવોમાં વધારો કરી શકાતો નથી. તેવામાં જાે ઉપરથી મુસાફરોને ટીકીટના ભાવવધારાનો ડામ આપવામાં આવે તો વ્યવસાય બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ તો આંતર જિલ્લા ખાનગી બસોની વાત થઈ પણ જિલ્લામાંથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, મુંબઈ, જામનગર, ભાવનગર, પાટણ સહિતના શહેરોમાં દોડતી લકઝરી બસોમાં પણ ટ્રાફિક હોતો નથી. ઘણીવાર તો પેસેન્જર ન મળવાથી બસના રૂટ પણ અંતિમ ઘડીએ રદ્‌ કરવા પડે છે.