મુન્દ્રા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ વધુ બે ગુના નોંધાયા

મુન્દ્રાની સોસાયટીમાં જમીન પચાવી પાડી બાઉન્ડ્રી બનાવનાર વવારના શખ્સ સામે ફરિયાદ : પત્રીમાં ખેતીની જમીનની બાજુમાં આવેલી સરકારી જમીન પચાવી પાડનાર શખ્સ સામે ગુનો

મુન્દ્રા : અહીંના પોલીસ મથકે જમીન અતિક્રમણ કર્યા શબબ નવા ઘડાયેલા કાયદા તળે લેન્ડ ગ્રેબિંશની બે જુદી જુદી ફરિયાદો નોંધાઈ છે. મુન્દ્રા શહેરની કલાપૂર્ણ સોસાયટીમાં આવેલી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઓરડી બનાવી તેની ફરતે બાઉન્ડ્રી બનાવી જમીન પચાવી પાડતા ફરિયાદ નોંધાઈ છે તો તાલુકાના પત્રી ગામે ખેતીની જમીનની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના બારોઈ રોડ આસુતોષ ધામ-રમાં રહેતા પ્રેમીલાબેન તુલસીદાસ ઠક્કરે વવાર ગામે રહેતા આરોપી રામ વિરમ ગઢવી વિરૂદ્ધ જમીન પચાવી પાડવાના પ્રતિબંધ વિધેયક મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની માલિકીની કલાપૂર્ણ સોસાયટીમાં આવેલ સર્વે ર૦૭ પૈકી ૧૦ વાળી જમીન પર આરોપીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી ઓરડી બનાવી નાખી છે. તેમજ જમીનની ફરતે બાઉન્ડ્રી બનાવી જમીન પચાવી પાડી છે. આ અંગે ફરિયાદીએ કરેલી અરજીને પગલે વિધિવત ફોજદારી નોંધવા અંગેનો હુકમ થતા લેન્ડ ગ્રેબિંગ તળે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ દ્વારા હાથ ધરાઈ છે. બીજી ફરિયાદ બારોઈ રોડ પર પારસનગરમાં રહેતા જયશ્રીબેન રમેશચંદ્ર અનમ (ઉ.વ. ૭૦)એ આરોપી સુલેમાન મીઠુ પઢિયારના દીકરા મુસ્તાક સુલેમાન પઢિયાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી મુસ્તાકને ફરિયાદીની માલિકીની પત્રી ગામે આવેલી સર્વે નંબર ૩૪પ/૧ વાળી ખેતીની જમીનની બાજુમાં આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કાંટાળી વાડ બનાવી ગાયો-ભેંસો બાંધવાના ઉપયોગમાં લઈ સરકારી જમીન પર દબાણ કર્યું છે. આ અંગે ફરિયાદીએ કલેક્ટર કચેરીએ અરજી કરી લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે ગુનો નોંધવાની માંગ કરી હતી. જેને પગલે કલેક્ટર કક્ષાએથી ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાતા મુન્દ્રા પોલીસ મથકે વિધિવત એફઆરઈઆર નોંધાઈ હતી. જેને પગલે ડીવાયએસપી જે.એન. પંચાલ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.