ઉપપ્રમુખ પદે મહિપતસિંહ જાડેજા અને રતન ગઢવી, કારોબારી ચેરમેન પદે અન્નપૂર્ણાબા જાડેજા, સત્તાપક્ષના નેતા તરીકે રજીયાબાઈ અબ્દુલ તુર્કના નામની જાહેરાત : આજે તમામ નવનિયુક્ત હોદ્દેદારો ભર્યા ફોર્મ આવતીકાલે ઔપચારીક વરણી

(બ્યુરો દ્વારા)મુંદરા : મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપે ૧૦ બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે ૮ બેઠકો આવી હતી. આ તાલુકા પંચાયત પર ફરી ભગવો લહેરાયો છે ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજે મુંદરામાં ભાજપની મિટીંગ યોજાઈ હતી. જેમાં સર્વે ચૂંટાયેલા સભ્યોના મત જાણી સર્વાનુમત્તે નામો નક્કી કરાયા હતા.સ્થાનિકેથી મળતી માહિતી મુજબ જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભચાઉના પૂર્વ નગરપતિ કુલદીપસિંહ જાડેજા, પ્રભારી સંજય દાવડા, તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી સહિતનાઓ સંભવીત હોદ્દેદારોના નામની ચર્ચા કરવા માટે મિટીંગ યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે છસરા બેઠકના વિજેતા ઉમેદવાર રાણીબેન ચેતનભાઈ આહિર પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે બે દાવેદારો સામે આવ્યા હતા, જેમાં ભુજપુર બેઠકના મહિપતસિંહ જાડેજા તેમજ દેશલપર બેઠકના રતન ગઢવીના નામો બેઠકમાં સામે આવતા બેમાંથી કયા ઉમેદવારને ઉપપ્રમુખ બનાવાય છે તેની સત્તાવાર જાહેરાત કાલની વરણી બાદ સામે આવશે. આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદ માટે સમાઘોઘા બેઠકના અન્નપુર્ણાબા જાડેજા અને સત્તાપક્ષના નેતા તરીકે ધ્રબ બેઠકના રજીયાબાઈ અબ્દુલ તુર્કના નામોની પસંદગી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સંભવીત હોદ્દેદારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા. આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં આ નામો પર સત્તાવાર મહોરનો સીક્કો મારવામાં આવશે. કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમુક કોંગ્રેસી સભ્યો અમારા સંપર્કમાં છે. પરંતુ અમને પક્ષના વિજેતા ઉમેદવારો પર સંપૂર્ણ ભરોસો છે. શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, પક્ષના આદેશ પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાહિતના કામો કરવા આહવાન કર્યું હતું. તો વિશ્રામ ગઢવીએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પક્ષના તમામ સભ્યોને વફાદાર રહેવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ બેઠકો ધરાવતી આ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટે ભાજપ પાસે પુરતો સંખ્યાબળ છે, તેમ છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ભાંગફોડ ન થાય તે માટે ભગવા બ્રિગેડ અત્યારથી જ સજ્જ થઈ ગયું છે. આજરોજ યોજાયેલી બેઠકમાં છાયાબેન ગઢવી, કુલદીપસિંહ જાડેજા, સામજી સોધમ, શક્તિસિંહ જાડેજા, કીર્તિ ગોર, રવાભાઈ આહિર, માધવ રબારી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનોદસિંહ જાડેજા, અસ્લમ તુર્ક, મજીદ તુર્ક, સોમા રબારી, બટુકસિંહ સોઢા, ધીરૂભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.