મુન્દ્રાના દેશલપરમાં વીજશોક લાગતા શ્રમજીવીનું મોત

માધાપરમાં કચરો વીણતી માનસિક અસ્થિર પ્રૌઢ મહિલાનું ગરમીના કારણે મોત : મોટી ભુજપુરના યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા મોત

(ક્રાઈમ પ્રતિનિધિ) મુંદરા : તાલુકાના દેશલપર કંઠી અને ભુજપુરમાં બે યુવાનોનું અકાળે મોત નિપજયું હતું. તો ભુજના માધાપરમાં કચરો વીણતી માનસિક અસ્થિર પ્રૌઢ મહિલાનું બીમારી કે ગરમીના કારણે મોત નિપજયું હતું. પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં પોલીસે અકસ્માત મોતના ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકાના દેશલપર કંઠીમાં રમેશભાઈ પટેલની વાડી પર શ્રમજીવીનું વીજશોક લાગતા મોત નિપજયું હતું. મુળ પંચમહાલના જગદીશ જીવણ નાયક (ઉ.વ.૩૦) નામનો શ્રમજીવી વાડી ઉપર બાવળની ઝાડી કાપતો હતો, ત્યારે કામગીરી દરમ્યાન ઉપરથી પસાર થતા પીજીવીસીએલના તારને ધારીયું અડી જતા યુવાનને વીજ શોક લાગ્યો હતો. હતભાગીને સારવાર માટે પ્રથમ ભુજની હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો, જયાં હતભાગીએ દમ તોડયો હતો. જેને પગલે મુંદરા પોલીસ મથકે અકસ્માત મોતનો બનાવ દર્જ થયો હતો. તો મુંદરાના મોટી ભુજપુર ગામે રહેતા કુલદીપસિંહ ઈન્દ્રજીતસિંહ વાઘેલા (ઉ.વ.૩પ)ને પોતાના ઘેર છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે અદાણી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસના સ્મશાન ભૂમિના ગેટ પાસે પપ વર્ષિય અજાણી વૃદ્ધાનું મોત નિપજયું હતું. આ વૃદ્ધા માધાપર વિસ્તારમાં કચરો વીણતી જોવા મળતી હતી. તેમજ માનસિક અસ્થિર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગત બપોર બાદ હતભાગી વૃદ્ધા બેભાન હાલતમાં જમીન પર પડેલી જોવા મળી હતી, જેને જાગૃત નાગરિકો દ્વારા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણી વૃદ્ધાનું કોઈ બિમારી કે ગરમીના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ભુજ બી ડિવિઝન પોલીસે બનાવને પગલે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ વી. એચ. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.